
સુરતઃ શહેરમાં ડાયમન્ડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત જુદા જુદા રાજ્યોના વેપારીઓ કારડની જથ્થાબંધ ખરીદી કરવા માટે શહેરની મુલાકાતે આવતા હોય છે. ત્યારે સુરતથી ઈન્દોર અને ઉદેપુરની ડેઈલી સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવતા ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે.
સુરતથી દેશમાં જ અન્ય શહેરોને જોડતી ફ્લાઇટોની સંખ્યા પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ઇન્ડિગો દ્વારા સુરતથી ઇન્દોર અને ઉદયપુર માટેની ફ્લાઇટ સોમવારથી શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડિગો 72 સીટરની ઇન્દોર અને ઉદયપુરની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. બુકિંગ બે અઠવાડિયા પહેલાં જ શરૂ થઈ ગયું હતું. ઈન્દોર ફ્લાઈટ સુરતથી સાંજે 7.55 કલાકે ઉપડશે અને 9.25 કલાકે ઈન્દોર પહોંચશે. જ્યારે ઉદયપુર માટે સુરતથી સાંજે 4.20 વાગ્યે ફ્લાઇટ ઉપડશે અને સાંજે 5.35 વાગ્યે ઉદયપુર પહોંચશે. હાલ સુરત એરપોર્ટ પર નવી પાર્કિંગ સુવિધા શરૂ થઈ છે, જેના કારણે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર દિવાળી સુધીમાં 24×7 ઓપરેશન સ્ટેટસ પણ ઉપલબ્ધ થઈ જશે. સુરતથી ઇન્ડિગોની આજે શરૂ થયેલી પહેલી ફલાઇટમાં સુરતથી ઉદયપુર 66 પેસેન્જર અને ઉદયપુરથી સુરત 22 પેસેન્જર થયા હતા. જ્યારે સુરતથી ઇન્દોર 65 પેસેન્જર અને ઇન્દોરથી સુરતનાં 66 પેસેન્જરનું આવાગમન થયું હતું.
સુરતથી ઇન્દોર અને ઉદયપુર માટે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી. વિવિધ વેપારી સંગઠનોએ પણ આ અંગે અલગ-અલગ ખાનગી એરલાઇન્સના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેને ધ્યાને રાખી આજથી ઇન્ડિગો દ્વારા ઇન્દોર અને ઉદયપુરની ફ્લાઇટ શરૂ કરી છે. સુરતથી મોટી સંખ્યામાં કાપડ વેપારીઓની અવરજવર બંને શહેરોમાં હોય છે, તેમને મોટો લાભ મળશે.