
વેળફાતા પાણીની થશે બચત, રાજકોટના યુવાને બનાવ્યું અનોખું મશીન
ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારમાં ખેડૂતોને કુદરતના મારનો સામનો કરવો પડે છે. ક્યારે ઓછો વરસાદ આવે છે તો ક્યારેક વધારે વરસાદને કારણે પાકને ભારે નુક્સાન થઈ જતું હોય છે. આવામાં રાજકોટના એક યુવાને એવું મશીન બનાવ્યું છે કે જેનાથી પાણીની બચત જોરદાર પ્રમાણમાં થઈ શકે છે અને ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે.
રાજકોટ જિલ્લાના કોલીથળ ગામમાં એક ખેડૂત પુત્રએ અનોખું મશીન બનાવ્યું છે. આ મશીનથી ખેતરમાં રહેલા ક્યારો જ્યારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં મોટા અવાજથી સાયરન વાગે છે. જેથી ખેડૂતને પણ ખ્યાલ આવી જશે કે, તેમના ખેતરનો ક્યારો ભરાઈ ગયો છે. આ રીતે પાણીનો વેડફાટ બંધ થઇ જશે.
આ ખેડૂત પુત્રએ પોતે મિકેનિક એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો હોવાથી તેમણે ટેકનોલોજીની મદદ લીધી અને આ મશીન બનાવ્યું. પિયત સમયે જ્યારે રાત્રિના સમયે પિયત કરવાનું હોય ત્યારે ખેડૂતોને આખી રાત ઉજાગરા કરવા પડતા હોય છે. જ્યાં સુધી પાણીનો ક્યારો ન ભરાઈ જાય ત્યાં સુધી ખેડૂતોએ જાગતું રહેવું પડતું હોય છે. પાણીનો એક ક્યારો ભરાતા આશરે 30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. ખેડૂતોએ પોતાનો ક્યારો ભરાયો છે કે નહિ તે જોવા જવું પડતું હોય છે.