અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીની પાસે મંદિરમાં ચોરી, ચાંદીનું છત્તર અને રોકડની ઉઠાંતરી
અમદાવાદ: શહેરમાં જાણે તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલા અંબાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. શહેરના પોલીસ વડાની કચેરી નજીક જ બનેલા આ બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં પ્રવેશવા માટે સૌપ્રથમ લોખંડની જાળી તોડી નાખી હતી અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ તસ્કરો મંદિરમાંથી ચાંદીનું છત્તર અને રોકડ રકમની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જ મંદિરના સંચાલકોએ તાત્કાલિક માધુપુરા પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોતાં માધુપુરા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
પોલીસ કમિશનર કચેરીની અત્યંત નજીકમાં જ આ પ્રકારની ઘટના બનતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ લોકોમાં ચિંતા વ્યક્ત થઈ છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે આસપાસના CCTV ફૂટેજની સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે.


