ભાવનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો કે આચાર્યો નથી. એના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. ગ્રાન્ટેડ સ્કુલોના શાળા સંચાલક મંડળે અગાઉ અનેકવાર સરકારને રજુઆતો કરી છે, પણ ખાલી જગ્યાઓ ભરવામાં સરકારને કોઈ રસ હોય તેમ લાગતું નથી. ભણશે ગુજરાતના નારા સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિકતા જુદી છે. પાંચ વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાની 60 શાળાઓમાં આાચાર્ય ન હતા અને આજે પણ ભાવનગર જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યની 57 જગ્યાઓ ખાલી છે. 5 વર્ષ અગાઉ 60 જગ્યા ખાલી હતી તેમાં ચાર વર્ષે પૂર્વે 40 જગ્યાની ભરતી થયેલી પણ બીજી બાજુ અન્ય શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી પડી એટલે સરવાળે જ્યાં હતા ત્યાં તેવી સ્થિતિ આવી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ધો.9થી ધો.12ની ગ્રાન્ટેડ શાળાઓમાં એક બાજુ વિષય શિક્ષકોની ઘટ વર્તાય રહી છે તો બીજી બાજુ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના ભણતર સામ જોખમ ઊભું થયું છે. ગુજરાતભરમાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની 60 જગ્યા ખાલી હતી ત્યાં ભરતીની પ્રક્રિયા આજથી ચારેક વર્ષ પૂર્વે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લાભરની કુલ 60 ગ્રાન્ટેડ માધ્યમિક હાઇસ્કૂલો પૈકી 40 હાઇસ્કૂલોને રેગ્યુલર આચાર્ય મળ્યા હતા. જ્યારે 20 હાઇસ્કુલમાં સંચાલકો અથવા ઉમેદવારો ગેરહાજર રહેતા આચાર્ય ભરતી થઇ શકી નથી. હવે ભાવનગર જિલ્લામાં 57 ગ્રાન્ટેડ હાઇસ્કૂલો રેગ્યુલર આચાર્ય વિહોણી છે. જેમાં ભાવનગરમાં 18, તળાજા તાલુકામાં 08, સિહોર તાલુકામાં 07, પાલિતાણા તાલુકામાં 07 , ગારિયાધાર તાલુકામાં 07, વલભીપુર તાલુકામાં 03, મહુવામાં 02 જેસરમાં 02 , સહિત કુલ 57 ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 1,028 પ્રાથમિક શાળા, 786 સરકારી હાઈસ્કૂલ અને 1,775 ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વિનાની છે. આ સિવાય સરકારી હાઈસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં 710 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 756 જગ્યા શિક્ષકોની ખાલી છે. માધ્યમિક ગ્રાન્ટેડમાં 2,547 તથા ઉચ્ચત્તર માધ્યમિકમાં 3,498 જગ્યા શિક્ષકોની ખાલી છે. આમ, ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય અને શિક્ષકની કુલ 28,212 જગ્યા ખાલી છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે રાજ્યમાં શાળાઓમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે છે. એક તરફ શિક્ષકોને વિદ્યાર્થીઓને સારામાં સારુ શિક્ષણ આપવાનું કહેવામાં આવે તો બીજી તરફ શિક્ષકોને સરકારી કામોમાં જોતરી દેવામાં આવે છે. એક તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા બાબતે જોર આપવામાં આવે તો બીજી તરફ એવા ઘણા ગામો છે જ્યાં પ્રાથમિક શિક્ષણ પણ બાળકોના નસીબમાં નથી. એક તરફ હાઇટેક અને સ્માર્ટ શિક્ષણની વાતો કરવામાં આવે તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં શાળા માટે છત પણ નથી. (પ્રતિકાત્મક તસવીર)