ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7531 શિક્ષકોની જગ્યા ખાલી, છતાં ભરતી કરાતી નથી
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિષયોના 7531 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેમ છતાં ગત વર્ષ-2019થી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આથી ટાટ પાસ ઉમેદવારોની માન્યતા પૂર્ણ થવામાં એક વર્ષ બાકી રહ્યું હોવાથી તાકિદે ભરતી કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રામધૂન બોલાવી હતી. જોકે ઉમેદવારોની રામધૂનનો અવાજ સચિવાલય સુધી પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોને સત્યાગ્રહ છાવણીથી હટાવી દીધા હતા.
ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી સમગ્ર નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. ત્યારે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમુક વિષયોના શિક્ષણ માટે ચાતક બનવાની ફરજ પડશે. કેમ કે રાજ્યભરની સરકારી માધ્યમિક શાળામાં 730 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 756 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2547 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3498 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે તેની સામે ગત વર્ષ-2019-20માં ટાટ પરીક્ષા પાસ કરનારા હજારો ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઇ જશે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ-2023 પહેલાં ટાટ સહિતની પરીક્ષા પાસના પ્રમાણપત્રોને રદ ગણવાનો નિર્ણય લીધો છે. આથી ટાટ પાસ ઉમેદવારોનું પ્રમાણપત્રની મુદત પૂર્ણ થવાને હજુ એક વર્ષ બાકી છે. ત્યારે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં ભરતી શરૂ કરવાની માંગણી સાથે ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ રામધૂન બોલાવીને વિરોધ શરૂ કર્યો પરંતુ મંજુરી નહી લીધી હોવાથી પોલીસે ટાટ ઉમેદવારોને ઉઠાડી મૂક્યા હતા. જોકે ટાટ પાસ ઉમેદવારોએ રાજ્યના શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને ભરતી કરવાની માંગણી કરી છે. અગાઉ પણ ટાટ થયેલા ઉમેદવારોને ભરતી માટે રજુઆતો કરી હતી. પણ હજુ ભરતી માટેનો કોઈ નિર્ણય લીધો નથી.