ઓફિસથી આવ્યા પછી લાગેલી ભૂખ માટે બેસ્ટ છે આ ચણા પાપડી ચાટ, જાણો રેસીપી
વર્કિંગ વુમન માટે આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે ઘરે આવીને રસોડામાં શું બનાવવું તે એક મોટો પ્રશ્ન હોય છે. થાકને કારણે કંઈક એવું બનાવવાનું મન થાય જે ઝટપટ બની જાય અને ખાવામાં પણ ચટપટું હોય. જો તમે પણ સાંજના નાસ્તા કે હળવા ડિનર માટે કોઈ હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો, તો ‘ચણા પાપડી ચાટ’ એક ઉત્તમ વાનગી છે. ચણા પ્રોટીનથી ભરપૂર હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે. ચાલો જાણીએ, મોઢામાં પાણી લાવી દે તેવી આ સ્વાદિષ્ટ ચાટ બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રીત.
- જરૂરી સામગ્રી
કાળા ચણા: 1 કપ (બાફેલા)
લોટ (ઘઉંનો): 1 કપ
ચણાનો લોટ: 2 ચમચી
મેંદો: 1 ચમચી
શાકભાજી: 1 નાની ડુંગળી, 1 ટામેટું, મૂળા (છીણેલા), લીલા મરચાં અને કોથમીર (ઝીણું સમારેલું).
અન્ય: 2 ચમચી દહીં, 2 મોટું લીંબુ, 1/4 ચમચી ખાવાનો સોડા.
મસાલા: ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, સંચળ (કાળું મીઠું) અને સફેદ મીઠું (સ્વાદ મુજબ).
- બનાવવાની રીત
સૌ પ્રથમ કાળા ચણાને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પ્રેશર કુકરમાં પલાળેલા ચણા, એક ચમચી મીઠું અને સોડા નાખીને આશરે 6 થી 7 સીટી વગાડી તેને બરાબર બાફી લો. એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મેંદો મિક્સ કરો. તેમાં એક ચમચી મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો. હવે આ લોટમાંથી નાની અને પાતળી પૂરીઓ વણી લો. આ પૂરીઓને ૨૦ મિનિટ માટે એક સ્વચ્છ કપડા પર ફેલાવી દો જેથી તેની ભીનાશ સુકાઈ જાય. ત્યારબાદ ગરમ તેલમાં તેને પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બાફેલા ચણામાં સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર અને છીણેલા મૂળા ઉમેરો. તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો, ગરમ મસાલો, થોડું લાલ મરચું અને સંચળ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. એક પ્લેટમાં તૈયાર કરેલી પાપડી ગોઠવો અને તેના પર તૈયાર કરેલું ચણાનું મિશ્રણ ફેલાવો. છેલ્લે તેના પર ૨ ચમચી તાજું દહીં અને ઝીણી સેવ ભભરાવો.


