પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-3 T20 અને ODI શ્રેણી રમશે. હવે 26મી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ શરમજનક રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બનાવ્યો છે.
અબ્દુલ્લા શફીકે આ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં સતત ત્રણ વખત ખાતું ખોલ્યું નહોતું, જેના કારણે તે ક્રિકેટના ઈતિહાસમાં શરમજનક રેકોર્ડ બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી ત્રીજી ODIમાં કાગીસો રબાડાએ તેને બીજા બોલ પર જ પેવેલિયન મોકલી દીધો હતો.
અબ્દુલ્લા શફીક પ્રથમ મેચમાં ચાર બોલમાં આઉટ થયો હતો અને બીજી મેચમાં માત્ર બે બોલનો સામનો કરી શક્યો હતો. બંને વખત તેને માર્કો જેન્સન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન સાથે, શફીકે 2024 માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં શૂન્ય રને આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે 21 ઇનિંગ્સમાં સાત વખત ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યો હતો. જોકે, વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના નામે છે, જેઓ એક વર્ષમાં આઠ વખત શૂન્ય પર આઉટ થયા હતા. ત્રીજી વનડેમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 47 ઓવરમાં 308/9નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. સૈમ અયુબે 94 બોલમાં શાનદાર 101 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 42 ઓવરમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
પાકિસ્તાની સ્પિનર સુફિયાન મુકીમે 8 ઓવરમાં 52 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ જીત સાથે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. પાકિસ્તાનની આ સતત પાંચમી દ્વિપક્ષીય ODI શ્રેણી જીત છે, જે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ માટે મોટી સફળતા છે.