મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. મુંબઈની બાંદ્રા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ગુરુવારે કોર્ટ પ્રશાસનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી હતી. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ધમકી મળતા જ સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરમાં હાજર લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા અને તુરંત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે કોર્ટના ખૂણેખૂણા અને આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરી હતી. કલાકો સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નહોતા, જેને પગલે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ હવે સાયબર સેલની મદદથી આ ઈમેલના આઈપી (IP) એડ્રેસ અને મોકલનારના સ્ત્રોતની તપાસ કરી રહી છે. મુંબઈમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. અગાઉ 1 ડિસેમ્બરે સાંતાક્રુઝ વિસ્તારની એક જાણીતી સ્કૂલને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે, તપાસમાં તે અફવા સાબિત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં પણ બોમ્બની ધમકીઓની શ્રેણી જોવા મળી હતી. દિલ્હીની બે શાળાઓ અને સાકેત, પટિયાલા હાઉસ તેમજ રોહિણી જેવી ત્રણ મોટી કોર્ટને ઈમેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ કિસ્સાઓમાં તપાસ બાદ કશું જ વાંધાજનક મળ્યું નહોતું, પરંતુ આવી અફવાઓને કારણે સામાન્ય જનતા અને સુરક્ષા એજન્સીઓમાં સતત ફફડાટ જોવા મળી રહ્યો છે.


