
TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને લઈને સવાલ પુછવાના મામલામાં ડિસેમ્બરમાં લોકસભામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.
ફેમા ઉલ્લંઘનના મામલામાં ઈડીએ પૂછપરછ માટે 49 વર્ષીય ટીએમસી નેતા મહુઆ મોઈત્રાની સાથે કારોબારી દર્શન હીરાનંદાનીને પણ સમન કર્યા છે. સીબીઆઈએ શનિવારે જ કેશ ફોર ક્વેરી મામલામાં તેમના પરિસર પર દરોડો પાડયો હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા મોઈત્રા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે સીબીઆઈની તપાસના નિર્દેશ આપ્યા હતા. તેના કેટલાક દિવસો બાદ જ કેન્દ્રીય એજન્સીએ આ દરોડો પાડયો હતો.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઈત્રાએ દુબઈ ખાતે કારોબારી દર્શન હીરાનંદાની પાસેથી રોકડ અને ભેંટ લેવાના બદલામાં સંસદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના અન્ય લોકો પર નિશાન સાધવા માટે સવાલો પુછયા હતા. દુબેનો આરોપ હતો કે મહુઆએ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ પુછીને હીરાનંદાનીને લાભ પહોંચાડવાની કોશિશ કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે કેટલુંક ટ્રાન્ઝક્શન અને ફંડ ટ્રાન્સફર સિવાય નોન-રેસિડેન્શિયલ ઈન્ડિયન ખાતાથી જોડાયેલી લેણદેણ ઈડીની તપાસની મર્યાદામાં છે. બીજી તરફ મોઈત્રાએ કોઈપણ ખોટું કામ કરવાનો ઈન્કાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેમને જાણી જોઈને નિશાન બનાવાય રહ્યા છે, કારણ કે તેમને અદાણી જૂથના સોદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.