
ટોક્યો ઓલિમ્પિકઃ ભારતે વધુ એક મેડલ જીત્યો, રેસલર બજરંગ પુનિયાએ જીત્યો કાંસ્ય ચંદ્રક
દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં હાલ ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહ્યું છે. જેમાં 16મા દિવસે વધુ એક ભારતીય ખેલાડીએ મેડલ જીત્યો હતો. ભારતના રેસલર બજરંગ પુનિયાએ કુસ્તીમાં મેડલ જીત્યો હતો. આમ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતે છ મેડલ જીત્યાં છે. તેમજ હજુ વધારે મેડલની આશા લગાવવામાં આવી રહી છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના સ્વપ્ન સાથે મેદાનમાં ઉતરેલા સ્ટાર રેસલર બજરંગ પુનિયા સેમિફાઈનલમાં હાજી અવીએવ સામે હારી જતા ગોલ્ડ મેડલનું સ્વપ્ન તુટ્યું હતું. જો કે, રેસલરે ભારત માટે મેડલની આશા જીવંત રાખી હતી. તેમજ બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ જીતશે તેવી આશાઓ વ્યક્ત થતી હતી. કઝાકિસ્તાનના ડ્યુલેટ નીયાઝબેકોવ સામે જીતીને બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ડ્યુલેટ સામે બજરંગ પુનિયાએ 8-0થી જીત મેળવી હતી. ભારતે કુસ્તીમાં મેડલ જીતતા દેશવાસીઓમાં ખુશી ફેલાઈ હતી. તેમજ રેસલર બજરંગ પુનિયાને લોકોએ શુભકામનાઓ પાઠવી હતી.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા ગોલ્ફર અદિતિ અશોકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, તે મેડલથી એક ડગલુ રહી ગઈ હતી. ગોલ્ફમાં અદિતિ ચોથા ક્રમે આવી હતી. ચોથા ક્રમે આવેલી અદિતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.