અમદાવાદઃ શહેરમાં કોરોનાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે મ્યુનિ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મફતમાં અપાતી સારવારને લીધે ખર્ચમાં વધારો થયો છે. બીજીબાજુ શહેરમાં કોરોડો રૂપિયાના બાકી મિલ્કતોના વેરાની વસુલાત થઈ શકતી નથી. આથી મ્યુનિ.એ સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણા એવા મિલકતધારકો છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં મિલકત વેરો ભર્યો નથી. આવા એકમોને તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મ્યુનિ.એ 24 કલાકમાં 288 એકમોને સીલ કર્યા હતા..
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રૂ.1 લાખથી વધુની કિંમતનો બાકી ટેક્સ ન ભરનારા લોકોની મિલકતો સીલ કરવાની ઝૂંબેશ 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. 4 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે સિલિંગ ઝુંબેશ અંતર્ગત કુલ 892 મિલકતોને સીલ કરી દીધી છે. જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં આવતા મધ્ય, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સિલિંગ કરવામાં આવી છે. 4 જાન્યુઆરીના રોજ 288 જેટલી મિલકતોને સીલ કરવાની અને 508 લોકોને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ હતી. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 56 જેટલી મિલકતોને સીલ કરી છે. AMCને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. 3.73 કરોડની આવક થઈ છે. 1 ફેબ્રુઆરીથી સિલિંગ ઝુંબેશમાં 4 ફેબ્રુઆરીએ સૌથી વધુ 288 જેટલી મિલકતો સીલ કરાઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં મ્યુનિ.દ્વારા કરાયેલી કાર્યવાહીમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં 200, મધ્ય ઝોનમાં 194, ઉત્તર ઝોનમાં 171, પશ્ચિમ ઝોનમાં 103, દક્ષિણ ઝોનમાં 102, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 82 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40 એમ કુલ 892 મિલકતો સીલ કરી છે.


