
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લેતા જનજીવન પણ પૂર્વવત બની ગયું છે. પણ દેશમાં હાલ કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત સરકાર સતર્કતા દાખવી રહી છે. જ્યારે તાકીદ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. દેશમાં કોરોનાના વધારે કેસ ધરાવતાં કેરળ સાથે મહારાષ્ટ્રથી આવનારા તમામને આરોગ્ય વિષયક તપાસ થયા પછી ગુજરાતમાં પ્રવેશ અપાશે. કેરળમાં કોરોના વેક્સિનેશનની સારી કામગીરી છતાંય વધતાં સંક્રમણ અંગે ગુજરાતે વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવા સૂચના આપી છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય વિભાગને સૂચના આપી છે કે, કેરળથી આવતાં લોકોનું સધન ચેકિંગ કરવામાં આવે. કેરળ અને મહારાષ્ટ્રથી આવતાં લોકોની આરોગ્યલક્ષી તપાસ બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસનું મ્યુટેશન જાણી ગુજરાત જરૂરી પગલાં અત્યારથી લઈ શકે માટે ભારત સરકારની મદદ લેવા કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણ મામલે દેશના મોટાભાગના રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણમાં જણાઇ રહી છે, પરંતુ કેરળમાં મોટી સંખ્યામાં નવા કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે જેના લીધે દેશના કુલ કેસોની સંખ્યામાં ઘડાટો થઇ રહ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકાડો અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 44,658 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 67,19 ટકા એટલે કે 30,007 કેસ માત્ર કેરળના છે. છેલ્લા ઘણા સમયથી કેરળમાં કેસો વધી રહ્યાં છે, જેના લીધે દેશમાં એક્ટિવ કેસોમાંથી અડધાથી વધુ કેસ માત્ર કેરળના જ છે. હવે દેશમાં એક્ટિવ કેસોનો આંકડો વધીને 3,44,899 સુધી પહોંચી ગયો છે. કુલ એક્ટિવ કેસમાં લગભગ 53 ટકા એટલે કે, 1,81,747 કેસ માત્ર કેરળમાં જ છે.