
અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનમાં ઘેટા-બકરાંની જેમ મુસાફરી કરતા પ્રવાસીઓ, વધુ કોચ જોડવા માગ
અમદાવાદઃ શહેરના અસારવાથી ચિતોડગઢ વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન પ્રવાસીઓથી ભરચક દોડી રહી છે. ટ્રેનના ડબ્બામાં ઘેટાં-બકરાની જેમ ભરાઈને પ્રવાસીઓને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. છતાં રેલવેની સત્તાધિશો દ્વારા ડેમુ ટ્રેનના કોચ વધારવામાં આવતા નથી. હિંમતનગર રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે ચિતોડગઢથી અસારવા જતી ડેમુમાં ભારે ભીડ હોવાને લઈને મુસાફરોને દરવાજામાં બેસવા મજબૂર થવુ પડ્યું હતું. જગ્યા ના મળતા મુસાફરોએ પરત બસ સ્ટેશન જવું પડ્યું હતું.
પશ્વિમ રેલવે દ્વારા અસારવાથી ચિતોડગઢ અને ચિતોડગઢથી અસારવા ડેમુ શરૂ કરવામાં આવી છે, પરંતુ ડેમુમાં ઓછા કોચ હોવાને લઈને પ્રવાસીઓને ઘેટાં-બકરાની જેમ પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. સોમવારે સવારે 11 કોચવાળી અસારવાથી ચિતોડગઢ ડેમુ ગઈ હતી. જ્યારે પરત સાંજે ચિતોડગઢથી અસારવા 8 કોચની ડેમુ આવી હતી. હિંમતનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચેલી ડેમુમાં ભારે ભીડ હતી. બીજી તરફ હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરો બેસવા માટે રાહ જોઈ રહ્યા હતા. ડેમુમાં બેસવા માટે પડાપડી જોવા મળી હતી. મુસાફરોને સીટમાં નહીં પણ નીચે અને દરવાજામાં બેસવા મજબૂર થવું પડ્યું હતું અને દરવાજામાં ઉભા રહેલા મુસાફરો જોવા મળ્યા હતા. ડેમુમાં બેસવા માટે દોડતા રેલવે સ્ટેશન પર આવી બેસવા જતા ભીડના કારણે મુસાફરી કરવા મળી ન હતી અને મુસાફરો રેલવે સ્ટેશનથી પરત ફરીને બસ સ્ટેશન તરફ ચાલતા થયા હતા. ત્યારે રેલવે વિભાગ દ્વારા બીજી ડેમુ શરૂ કરવામાં આવે ઉપરાંત આ ડેમુમાં કોચ વધારવામાં આવે તેવી મુસાફરોની માગ ઊઠી છે.
અત્રે ઉલ્લેખનિય છે. પહેલા અમદાવાદના અસારવાથી હિંમતનગર વચ્ચે ડેમુ ટ્રેન ગોડાવવામાં આવતી હતી. ત્યારબાદ પ્રવાસીઓની માગને લીધે ડેમુ ટ્રેનને રાજસ્થાનના ચિતોડગઢ સુધી લેબાવવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી અસારવા ચિતોડગઢ વચ્ચે ડેમુ ટ્રેન દોડી રહી છે. જેથી ડુંગરપુર બાસવાડા અને સાગવાડા તરફ જનારા પ્રવાસીઓને સારો લાભ મળી રહ્યો છે.