
ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધાનું નામ છે ‘ટ્રાવેલ નાઉ પે લેટર'(Travel Now Pay Later). આના દ્વારા ગ્રાહકો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ (Railway Ticket booking TNPL) બુક કરાવી શકે છે.
આ સુવિધા IRCTCની Rail Connect એપ પર પણ મળે છે. IRCTC એ ‘ટ્રાવેલ નાઉ પે લેટર’ની સુવિધા આપવા માટે CASHe સાથે ભાગીદારી કરી છે. જો તમે દિવાળી અથવા છઠ પર ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના ‘ટ્રાવેલ નાઉ પે લેટર’નો ઉપયોગ કરીને ટ્રેનમાં સીટ બુક કરી શકો છો. ઘણી વખત લોકો સાથે એવું બને છે કે તેમને ઈમરજન્સીમાં ટિકિટ બુક કરાવવી પડે છે, પરંતુ તેમની પાસે ટિકિટ બુક કરાવવાના પૈસા નથી હોતા. આવી સ્થિતિમાં, આ સુવિધાનો લાભ લઈને, તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. તમે CASHe ના EMI વિકલ્પને પસંદ કરીને સરળતાથી ટિકિટ બુક કરી શકો છો. તમે આ ટિકિટ 3 થી 6 મહિનાના EMI વિકલ્પ દ્વારા ચૂકવી શકો છો. આ સુવિધા થકી દેશભરના કરોડો રેલવે મુસાફરોને મોટો ફાયદો થશે.
ખાસ વાત એ છે કે તમે તત્કાલ અને સામાન્ય બંને ટિકિટ બુકિંગ માટે ટ્રાવેલ નાઉ અને પે લેટરની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી.
આ બાબતે માહિતી આપતાં CASHeના ચેરમેન વી. રમણ કુમારે જણાવ્યું કે IRCTC દ્વારા દેશભરમાં ‘ટ્રાવેલ નાઉ પે લેટર’ સુવિધા શરૂ કરવામાં આવી છે. દરરોજ 15 લાખ લોકો આ એપ દ્વારા ટિકિટ બુક કરાવે છે. આવી સ્થિતિમાં, અમે વધુને વધુ લોકોને TNPL સુવિધા પૂરી પાડી શકીશું. નોંધનીય છે કે CASHe તેની નાણાકીય સેવાઓ TNPL સેવા દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે. આ સાથે, તે તેના પ્લેટફોર્મને ભારતમાં સૌથી મોટું ડિજિટલ ક્રેડિટ પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રેલવેને સામાન્ય લોકોના જીવનની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ કરોડો યાત્રીઓ ટ્રેન દ્વારા તેમના ઘરે જાય છે. ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મોટી સંખ્યામાં પોતાના ઘરે જઈ રહ્યા છે. મુસાફરોની સુવિધા માટે રેલ્વેએ ઘણી તહેવાર વિશેષ ટ્રેનો શરૂ કરી છે.