
અકસ્માતમાં કૂખ્યાત બનેલા માળિયા-મોરબી હાઈવે પર કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત, 5નાં મોત
અમદાવાદઃ અકસ્માતો માટે કૂખ્યાત બનેલા મોરબી – માળિયા નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલો લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો.
આ અકસ્માતની એવી વિગતો જોણવા મળી છે. કે, મોરબી-માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી બહેનનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્ર પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તલાટી જિજ્ઞાબેન જોબનપુત્રા મોરબીના ભળીયાદ ખાતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજ્યમંત્રી મેરજા, સહકાર અગ્રણી મગન વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.