1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ તે જ સાચી અહિંસા છે : આચાર્ય દેવવ્રતજી
મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ તે જ સાચી અહિંસા છે : આચાર્ય દેવવ્રતજી

મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ તે જ સાચી અહિંસા છે : આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ તેરાપંથ ધર્મસંઘના 11 મા આચાર્ય મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં અમદાવાદ નજીક પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા આયોજિત ગ્લોબલ કનેક્ટ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ધર્મ કરો, દીન-દુખિયાની સેવા કરો, વ્યસન મુક્તિ માટે પ્રયત્ન કરો, પરોપકાર માટે જીવન જીવો. કોઈને મન, વચન અને કર્મથી કષ્ટ ન આપીએ એ જ સાચી અહિંસા છે.

તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા આયોજિત ગ્લોબલ કનેક્ટ કાર્યક્રમમાં 38 શાખાના 260 સભ્યો ભાગ લઈ રહ્યા છે. 15 દેશોના પ્રતિનિધિઓ ઑનલાઈન જોડાયા છે. જીવનનું લક્ષ શું હોવું જોઈએ? એ વિશે બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ જગતમાં જડ કે ચેતન એક પણ વસ્તુ એવી નથી જે અન્યના ઉપયોગ માટે ન હોય. દરેક અન્યના ઉદ્દેશ્ય માટે છે. આપણું શરીર પણ અન્યના ઉપયોગમાં આવવું જોઈએ. ઈટ, ડ્રિન્ક એન્ડ બી મેરી-ખાવ, પીઓ અને જલસા કરો… એ જ જીવનનો ઉદ્દેશ નથી. કામ અને ધર્મ કરતાં કરતાં અર્થની પ્રાપ્તિ કરવી અને અંતે મોક્ષ પ્રાપ્ત કરવો એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. પ્રેય માર્ગની સાથો સાથ શ્રેય માર્ગે ચાલતાં ચાલતાં પ્રગતિ કરવી જોઈએ. જળમાં કમળપર્ણ જેટલા નિર્લિપ્ત રહે છે એટલી નિર્લિપ્તતાથી જીવન જીવો. પકડી રાખશો તો પ્રગતિ નથી, ગતિ માટે છોડતા રહેવું પણ એટલું જ જરૂરી છે. આ પ્રકૃતિ પણ ભોગ માટે છે પણ તેને ત્યાગીને ભોગવવાની આપણી સંસ્કૃતિ છે.

દુઃખ થી બચવું હોય તો મોક્ષ જ એક માર્ગ છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે સ્થિતિ આપણને અનુકૂળ છે તે આપણા માટે સુખ છે અને જે આપણી ઈચ્છાથી વિપરીત છે એ દુઃખ છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, રાત્રે સૂતી વખતે ઘરની સ્ટૉપર આપણે અંદરથી બંધ કરીએ છીએ તો સુખ, સંતોષ અને સુરક્ષા અનુભવીએ છીએ. જ્યારે રાત્રે કોઈ વ્યક્તિ બહારથી સ્ટૉપર બંધ કરી દે તો આપણે ચિંતા અને દુઃખ અનુભવીએ છીએ. એવી જ રીતે આપણે કોઈ સદકાર્યમાં સ્વેચ્છાએ દાન આપીએ તો આપણને સુખની અનુભૂતિ થાય છે. પણ કોઈ ખિસ્સાકાતરુ આપણી જાણ બહાર એ નાણાં આપણા ખિસ્સામાંથી કાઢી જાય તો આપણે દુઃખ અનુભવીએ છીએ. પૈસા તો બંને પરિસ્થિતિમાં જાય જ છે છતાં. જીવનમાં દુઃખ જ ન હોય એવી સ્થિતિ સંભવ નથી, પરંતુ જીવનની નિ:સારતાને જાણીને ત્યાગપૂર્ણ સજાગતા સાથે પ્રકૃતિને અનુકૂળ થઈને જીવન જીવીશું તો સુખની અનુભૂતિ થશે.

આચાર્ય મહાશ્રમણજીના સાંન્નિધ્યને પરમ સુખદાયી ગણાવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તેઓ માનવતાના કલ્યાણ માટે અહિંસાને જીવનનો માર્ગ બનાવીને પરોપકારની ભાવના સાથે હજારો કિલોમીટરની પદયાત્રા કરીને દુનિયાને જીવન જીવવાનો માર્ગ દાખવી રહ્યા છે. આચાર્ય મહાશ્રમણજીએ કહ્યું હતું કે, દુઃખમુક્તિ એ જીવનનું લક્ષ હોવું જોઈએ. માનવ સહિત તમામ પ્રાણીઓને દુઃખનો જ ડર છે. દરેક વ્યક્તિ દુઃખથી દૂર રહેવા માંગે છે. ભૌતિક માર્ગે સગવડો મેળવીને થોડા સમય માટે દુઃખમુક્તિ અનુભવી શકાય છે, પરંતુ શાશ્વત દુઃખમુક્તિ આધ્યાત્મિક માર્ગે જ સંભવ છે. ભૌતિક વિકાસ અને આર્થિક વિકાસની સાથો સાથ નૈતિકતાનો વિકાસ અને આધ્યાત્મિક વિકાસ એટલા જ જરૂરી છે. સદભાવના અને નશામુક્તિથી દુઃખમુક્તિ થાય છે. પ્રમાણિકતા, નૈતિકતા અને પારદર્શિતાથી દુઃખમુક્તિ થાય છે. અહિંસાથી સુખ-શાંતિ રહે છે. દયા કરુણાની ભાવના સાથે અન્યને કષ્ટ ન આપો. સૃષ્ટિના તમામ જીવો સાથે મૈત્રીની ભાવના કેળવશો તો દુઃખમુક્તિની દિશામાં આગળ વધી શકશો. કામ અને ક્રોધ માણસને અપરાધ તરફ ધકેલે છે. કામ, ક્રોધ, રાગ અને દ્વેષથી મુક્ત થશો તો દુઃખમુક્તિ સંભવ છે.

તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજીએ સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ માટે અહિંસાયાત્રા-પદયાત્રા શરૂ કરી છે. તેમણે અત્યાર સુધીમાં 3 દેશો, 23 રાજ્યોમાં 20000 કિ.મી. ની અહિંસાયાત્રા કરી છે. આગામી એક વર્ષ સુધી તેમની પદયાત્રા હવે ‘અણુવ્રત યાત્રા’ કહેવાશે. આચાર્ય મહાશ્રમણજીએ અત્યાર સુધીમાં 55 હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code