વિશ્વના લોકપ્રિય નેતાઓની ટોપ ટેનની યાદીમાં ટ્રમ્પને ના મળ્યું સ્થાન
નવી દિલ્હી, 26 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું માન વધાર્યું છે. અમેરિકી ડેટા એનાલિટિક્સ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, પીએમ મોદી 68 ટકા અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. સતત ત્રીજી વખત સત્તામાં હોવા છતાં તેમની લોકપ્રિયતામાં થયેલો આ વધારો તેમના મજબૂત નેતૃત્વ અને વૈશ્વિક સ્વીકાર્યતાને દર્શાવે છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટોપ-10 નેતાઓની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યા નથી. ટ્રમ્પને માત્ર 39 ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે. પીએમ મોદી પછી બીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ રહ્યા છે, જેમને 62-62 ટકા રેટિંગ પ્રાપ્ત થયું છે.
નરેન્દ્ર મોદીને 68 ટકા એપ્રુવલ રેટિંગ, સ્વિટ્ઝરલેન્ડના ગાય પાર્મેલિનને 62 ટકા, દક્ષિણ કોરિયાના લી જે-મ્યુંગને 62 ટકા, ચેક રિપબ્લિકના આન્દ્રેજને 57 ટકા, આર્જેન્ટિનાના જેવિયર માઈલીને 55 ટકા, કેનેડાના માર્ક કાર્નીને 52 ટકા, મેકિસકોના ક્લાઉડિયા શીનબામને 43 ટકા, બેલ્જિયમના બાર્ટ ડી વેવરને 42 ટકા અને બ્રાઝિલના લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાને 42 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. યાદીમાં અન્ય પ્રભાવશાળી દેશોના નેતાઓની સ્થિતિ નબળી જોવા મળી છે. બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટારમરને માત્ર 24 ટકા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને માત્ર 17 ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે, જે દર્શાવે છે કે પશ્ચિમી દેશોના નેતાઓ સામે સ્થાનિક સ્તરે પડકારો વધી રહ્યા છે.
આ રેટિંગ એવા સમયે આવી છે જ્યારે પીએમ મોદીએ ભારતીય રાજનીતિમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળને મળીને તેમણે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રમુખ નેતા બની ગયા છે. મોર્નિંગ કન્સલ્ટનો આ સર્વે 2 થી 8 માર્ચ વચ્ચે વિવિધ દેશોના પુખ્ત વયના લોકોના અભિપ્રાયના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.


