ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નાકાબંધીનો આદેશ આપ્યો
ન્યૂયોર્ક, 13 એપ્રિલ 2026: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ એક અત્યંત આક્રમક નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પે યુએસ નેવીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં તાત્કાલિક અસરથી નાકાબંધી શરૂ કરવા આદેશ આપ્યો છે. આ પગલાથી વૈશ્વિક તેલ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે.
પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ આદેશની જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે યુએસ નેવી એવા તમામ જહાજોની તપાસ કરશે અને તેમને રોકશે જે ઈરાનને પસાર થવા માટે ‘ટોલ’ ચૂકવે છે. ટ્રમ્પે આ ટોલને ‘અવૈધ’ ગણાવતા કહ્યું કે, જે કોઈ પણ દેશ કે કંપની ઈરાનને નાણાં ચૂકવશે, તેમને ખુલ્લા સમુદ્રમાં આગળ વધવા દેવામાં આવશે નહીં. આ નાકાબંધીનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ કરવાનો છે.
ટ્રમ્પના આ આદેશ બાદ ઈરાનનું સૈન્ય સંગઠન ઇસ્લામિક રિવોલેશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પણ એક્શન મોડમાં આવી ગયું છે. IRGC એ સત્તાવાર નિવેદન બહાર પાડતા કહ્યું છે કે, “અમે અમેરિકાની કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો સખત અને જડબાતોડ જવાબ આપીશું. હોર્મુઝ સ્ટ્રેટ પર કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.”
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% થી 25% હિસ્સો આ સાંકડા માર્ગેથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય અથવા અહીં સંઘર્ષ થાય, તો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે. આ જલડમરૂમધ્ય ઓમાન અને ઈરાન વચ્ચે આવેલું છે, જે પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે.
આ પણ વાંચોઃ લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાત પદયાત્રીઓના મોત


