1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે સૌથી મોટા યુદ્ધજહાજને મિડલ ઈસ્ટ મોકલ્યું
ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે સૌથી મોટા યુદ્ધજહાજને મિડલ ઈસ્ટ મોકલ્યું

ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે સૌથી મોટા યુદ્ધજહાજને મિડલ ઈસ્ટ મોકલ્યું

0
Social Share

વોશિંગ્ટન, 14 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય તાકાત બમણી કરવાનો નિર્ણય લીધો છે. પેન્ટાગોને તેનું સૌથી શક્તિશાળી અને વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર USS જેરાલ્ડ આર. ફોર્ડ ઈરાન સામે મોરચો સંભાળવા રવાના કર્યું છે. સમાચાર એજન્સી રોયટર્સે બે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓના હવાલાથી આ મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી એક સપ્તાહમાં ‘USS જેરાલ્ડ આર. ફોર્ડ’ મિડલ ઈસ્ટ પહોંચી જશે. નોંધનીય છે કે આ ક્ષેત્રમાં ‘USS અબ્રાહમ લિંકન’ કેરિયર અને અન્ય અનેક યુદ્ધજહાજો પહેલેથી જ તૈનાત છે. હવે ફોર્ડની એન્ટ્રી સાથે ઈરાન પર સમુદ્ર અને આકાશ બંને તરફથી સૈન્ય દબાણ અનેકગણું વધી જશે.

USS જેરાલ્ડ આર. ફોર્ડ એક ન્યુક્લિયર-પાવર્ડ કેરિયર છે, જે મહિનાઓ સુધી સમુદ્રમાં રહી શકે છે. તેના પર 75થી વધુ સૈન્ય વિમાનો તૈનાત થઈ શકે છે, જેમાં F-18 સુપર હોર્નેટ ફાઈટર જેટ અને E-2 હોકઆઈ જેવા અત્યાધુનિક સર્વેલન્સ વિમાનો સામેલ છે. તેમજ તે વિશ્વના સૌથી શક્તિશાળી રડાર અને નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જો આગામી એક મહિનામાં ઈરાન સાથે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો પરિણામો અત્યંત ગંભીર આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જરૂર પડશે તો તે વધુ એક કેરિયર મોકલવા પર વિચાર કરી રહ્યા છે. અગાઉ ગત વર્ષે જ્યારે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, ત્યારે પણ અમેરિકાએ બે કેરિયર તૈનાત કર્યા હતા.

તાજા અહેવાલો મુજબ, અમેરિકી યુદ્ધજહાજ USS અબ્રાહમ લિંકન અરબ સાગરમાં ઈરાનની અત્યંત નજીક પહોંચી ગયું છે. ઈરાનના અનેક મુખ્ય શહેરો હવે આ જહાજની ‘સ્ટ્રાઈક રેન્જ’માં છે. આ ઉપરાંત, અમેરિકાનું ખાસ C 37-B એરક્રાફ્ટ પણ આ ક્ષેત્રમાં પહોંચી ગયું છે. આમ, અમેરિકા હવે ઈરાનના પરમાણુ મથકો, સૈન્ય અડ્ડાઓ અને કમાન્ડ સેન્ટરો પર ગમે ત્યારે હુમલો કરવાની સ્થિતિમાં આવી ગયું છે.

અમેરિકી નૌકાદળ પાસે કુલ માત્ર 11 એરક્રાફ્ટ કેરિયર છે. આ સંસાધનો અત્યંત કિંમતી હોવાથી તેની તૈનાતી પૂર્વનિર્ધારિત હોય છે. જોકે, ઈરાન સાથેની તંગદિલી જોતા જેરાલ્ડ ફોર્ડને યુરોપને બદલે મિડલ ઈસ્ટ મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ જહાજ અગાઉ વેનેઝુએલાના ઓપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યું છે.

આ પણ વાંચોઃ ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ તત્પર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code