ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી
વોશિંગ્ટન, 10 જાન્યુઆરી 2026: ઈરાનમાં સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ કટોકટી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો પ્રદર્શનકારીઓને દબાવવા માટે હિંસાનો આશરો લેવામાં આવશે, તો અમેરિકા શાંત બેસી રહેશે નહીં અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન અત્યારે આંતરિક અશાંતિના ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “ઈરાન અત્યારે મોટી મુસીબતમાં મુકાયું છે. પ્રદર્શનકારીઓ એવા શહેરો પર કબજો કરી રહ્યા છે જેના વિશે થોડા અઠવાડિયા પહેલા કોઈએ કલ્પના પણ કરી નહોતી. આ સ્થિતિ ઈરાની નેતૃત્વ માટે નિર્ણાયક વળાંક સાબિત થશે.”
પ્રમુખ ટ્રમ્પે ઈરાનને સીધી ધમકી આપતા કહ્યું કે, જો તેઓએ ભૂતકાળની જેમ ફરીથી પોતાના જ નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું, તો અમેરિકા દખલગીરી કરશે. તેમણે ઉમેર્યું, “અમે તેમને ત્યાં ફટકારીશું જ્યાં તેમને સૌથી વધુ દર્દ થશે.” જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહીનો અર્થ જમીન પર અમેરિકી સૈનિકો મોકલવાનો નથી, પરંતુ એવી કડક કાર્યવાહી કરવાનો છે જેનાથી ઈરાની શાસનને સૌથી વધુ આર્થિક કે વ્યૂહાત્મક નુકસાન થાય.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વલણની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અગાઉ જ્યારે પણ ઈરાનમાં આવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પ્રમુખ ઓબામા પાછળ હટી ગયા હતા, પરંતુ આ વખતે ઈરાનમાં જે થઈ રહ્યું છે તે અસાધારણ છે. વર્ષોથી ચાલી રહેલા દમનને કારણે ઈરાની નેતાઓએ પોતે જ આ અશાંતિને જન્મ આપ્યો છે અને હવે તેઓ તેનું પરિણામ ભોગવી રહ્યા છે.
અમેરિકી પ્રશાસન ઈરાનની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ટ્રમ્પે વધુ લશ્કરી કાર્યવાહીના સંકેતોને હાલ નકાર્યા છે પરંતુ પુનરોચ્ચાર કર્યો છે કે તેમનું મુખ્ય ધ્યાન મોટા પાયે નિર્દોષ લોકોની જાનહાનિ રોકવા પર છે. ઈરાની પ્રજા સાથે થઈ રહેલા ખરાબ વર્તન સામે અમેરિકા હવે આકરા મૂડમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
(Photo-File)
આ પણ વાંચોઃસીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા, માઘ મેળામાં સંતો સાથે ગંગા પૂજા કરી


