દાવાસોમાં હલચલ: ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વોશિંગ્ટન પરત ફર્યું
વોશિંગ્ટન, 21 જાન્યુઆરી 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડના દાવાસોમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ (WEF) માં ભાગ લેવા માટે રવાના થયા હતા, પરંતુ ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ તેમના વિશેષ વિમાન ‘એર ફોર્સ વન’ માં ઇલેક્ટ્રિકલ ખામી સર્જાતા સુરક્ષાના કારણોસર વિમાનને અધવચ્ચેથી પરત લાવવાની ફરજ પડી હતી.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડ સ્થિત જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રપતિની આ મુલાકાત રદ કરવામાં આવી નથી, માત્ર ટેકનિકલ ખામીને કારણે વિમાન બદલવામાં આવ્યું છે. ટ્રમ્પ હવે બીજા વિમાન દ્વારા દાવાસો જવા રવાના થશે.
આ વર્ષે દાવાસોમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓ અને ઉદ્યોગપતિઓ એકઠા થઈ રહ્યા છે. આ બેઠકમાં જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમન, એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુખ્ય આકર્ષણ રહેશે.
વર્ષ 2020 પછી ટ્રમ્પ પ્રથમવાર રૂબરૂ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. ગયા વર્ષે તેમણે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ વખતે ટ્રમ્પની સાથે અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ પણ દાવાસો પહોંચી રહ્યું છે.
આ વર્ષે WEF માં આશરે 3,000 નેતાઓ ભાગ લેશે, જેમાં 400 રાજકીય નેતાઓ અને 850 થી વધુ મોટી કંપનીઓના CEO સામેલ છે. જોકે, કેટલાક મોટા દેશો અને નેતાઓએ આ બેઠકથી દૂરી બનાવી છે.
આ પણ વાંચોઃ હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાં નામાંકન પરત ખેંચવાની મુદત પૂર્ણ


