
ટ્વિટરે શરુ કરી નવી પોલીસી – હવે વ્યૂ લિમિટ લાગૂ થશે,વેરિફાઈડ યુઝર્સ દિવસમાં આટલી ટ્વીટ વાંચી શકશે
- ટ્વિટર લાવી રહ્યું છે સતત નવી પોલીસી
- હવે વ્યૂ લિમિટ પણ નક્કી કરાઈ
દિલ્હીઃ- માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ઘણા સમયથી ઘણા નવા ફેરફારો આવી રહ્યા છે ત્યારે હવે ટ્વિટરના માલિક એલોન મસ્કે 1 જુલાઈના રોજ બીજા ફેરફાર વિશે માહિતી આપી હતી.
આ બાબતે ટ્વીટ કરીને એલન મસ્કે વેરિફાઈડ યુઝર્સ, નોન-વેરિફાઈડ યુઝર્સ અને વેરિફાઈડ ન હોય તેવા નવા ટ્વિટર એકાઉન્ટ માટે ટ્વિટ જોવાની મર્યાદા નક્કી કરી છે. જો કે, આ મર્યાદાઓ અસ્થાયી ધોરણે લાગુ કરવામાં આવી છે.
Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn
— Elon Musk (@elonmusk) July 1, 2023
ટ્વિટરના માલિક એલોન મસ્કએ જાહેરાત કરી હતી કે જે વપરાશકર્તાઓની પાસે ટ્વિટર એકાઉન્ટ નથી તેમના માટે કોઈપણ ટ્વિટ વાંચવું અથવા જોવાનું મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં, જે લોકો ટ્વિટ જોવા, વાંચવા અથવા કરવા માંગે છે, તેઓએ ટ્વિટર પર એકાઉન્ટ બનાવવું પડશે. આ જાહેરાતના 24 કલાકની અંદર, એલોન મસ્કે ટ્વિટર વ્યૂ લિમિટ ફિક્સ કરી.
વ્યૂ લિમિટ મામલે મસ્કે ટ્વીટ કર્યું કે અમે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનના કેસોને સંબોધવા માટે કેટલીક અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. મસ્કે સૌપ્રથમ ટ્વિટ કર્યું હતું કે વેરિફાઈડ એકાઉન્ટ યુઝર્સ દરરોજ 6,000 પોસ્ટ વાંચી અને જોઈ શકશે, જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 600 પોસ્ટ્સ સુધી મર્યાદિત હશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 300 સુધી મર્યાદિત હશે. તેમાં કહેવામાં આવ્યું હતું કે વેરિફાઈડ યુઝર્સ માટે ટૂંક સમયમાં ટ્વીટ વાંચવાની મર્યાદા 8 હજાર થઈ જશે. જ્યારે, અનવેરિફાઈડ યુઝર્સ માટે તે 800 હશે અને નવા અનવેરિફાઈડ યુઝર્સ માટે તેની મર્યાદા 400 પોસ્ટ્સ સુધી હશે.