
અમદાવાદમાં અકસ્માતના બે બનાવો, કારની અડફેટે યુવાનનું અને BRTSની ટક્કરે મહિલાનું મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતોના બનાવો બન્યા છે. નવરાંગપુરા સ્ટેડિયમ ક્રોસરોડ નજીક રિશી મહેતા નામનો યુવાન એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારતા રિશી રોડ પર પટકાતા માથામાં ઈજા થવાથી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત શાહપુરમાં લીંબડા ચોક નજીક સર્જાયો હતો. જેમાં એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી બીઆરટીએસ બસે અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. બન્ને બનાવોમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ટ્રાફિકથી ભરચક ગણાતા વિસ્તારોમાં પણ વાહનચાલકો વાહનો પૂરઝડપે ચલાવતા હોય છે. ત્યારે એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. નવરંગપુરા ખાતે રોડ પર જતા યુવકને કારે ટક્કર મારતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે શાહપુર ખાતે સવારે રોડ ક્રોસ કરી રહેલી મહિલા પર BRTS બસનું ટાયર ફરી વળતાં મોત થયું છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મલી છે. કે, શહેરના નારણપુરામાં રહેતો 33 વર્ષીય રિશી મહેતા નામનો યુવક નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા બાજુમાં આવેલા મેડિકલ સ્ટોરની સામેથી એક્ટિવા પર પસાર થતો હતો. ત્યારે એક અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે રિશીની એકટીવાને ટક્કર મારી હતી. જેમાં રિશીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રિશીનું મોત થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે. કે, શહેરના શાહપુરમાં રહેતા શારદાબેન દંતાણી નામના 57 વર્ષીય મહિલા ઘરેથી નીકળી લીમડા ચોક તરફ જતા હતા. તે દરમિયાન બીઆરટીએસ બસ દ્વારા પુરપાટ ઝડપે ચલાવી શારદાબેનને ટક્કર મારતા બસનું ટાયર માથામાં ભાગે ચડી ગયું હતું. જેથી શારદા બેનનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.