
પાટડીના ઘાસપુરમાં કેમિકલ ફેક્ટરીની ટાંકીમાં ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત
પાટડીઃ રાજ્યમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ કે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. જેમાં પાટડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલો એક શ્રમિકો ગુંગળાવવા લાગતા તેને બચાવવા જતાં બીજો શ્રમિક પણ ઝેરી ગેસને લીધે બેભાન બની ગયો હતો. આમ ઝેરી ગેસને લીધે ગુંગળાઈ જવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગત સૂત્રોમાંથી એવી જાણવા મળી છે કે, પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં ગુંગળાઇ જવાથી બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ-ગોધરાના બે મજૂરો પૈકીનો એક મજૂર આ કેમિકલ ફેક્ટરીમાં ટાંકીમાં ઉતરતાં તેનું ગુંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું. ઉપરાંત આ મજૂરને બચાવવા જતા બીજો મજૂર પણ ટાંકીમાં ઉતરતાં બંને મજૂરોનું ગુંગળાઇ જવાથી કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ ગોઝારી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા બંનેની લાશોને ટાંકામાંથી બહાર કઢાઇ હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેમિકલની ફેક્ટરી હોવાના કારણે ગેસ ઉત્પન્ન થયો હોવાના લીધે ગુંગળામણ થવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. ટાંકીમાં ઝેરી ગેસ હોવા છતાં શ્રમિકોને કેમ સેફ્ટીના કોઈ સાધનો ન અપાયા, કે ઓક્સિઝન માસ્ક પહેર્યા વિના શ્રમિકોને ટાંકીમાં કેમ ઉતારાયા તે અગે ફેટકરીના સંચાકલોની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. મૃતક શ્રમિકોના નામ હરેશભાઇ વિરસીંગભાઇ ડામોર ( ઉંમર વર્ષ- 38), રહે – સાચકપુર, તા – રંધીકપુર, જિલ્લો – દાહોદ તથા સંજય નરપતભાઇ ડામોર ( ઉંમર વર્ષ- 20), રહે – સાચકપુર, તા – રંધીકપુર, જિલ્લો – દાહોદ)નો સમાવેશ થાય છે.