
બોટાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીને લીધે નદી, તળાવ કે ડેમમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં કિશોરીઓ ડુબી જવાની ઙટના બાદ બુધવારે મોરબીના વરસામેડી ગામના તળાવમાં બે પાળકો અને એક કિશોરી ડુબી જતા મોતની ઘટના બની હતી. ત્યારે આજે બોટાદ તાલુકાના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા પડેલા બે યુવાનો ડુબી જતા મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બોટાદના સમઢીયાળા નંબર – 2 ગામે તળાવમાં બે યુવકોના ડૂબી જતાં મોત થયા છે. સમઢીયાળા ગામે તળાવમાં બરવાળાથી 4 યુવકો નાહવા આવ્યા હતા. બે યુવકો તળાવમાં નાહવા પડેલા અને બે યુવકો બહાર હતા. તળાવમાં નાહવા પડેલાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. 18 વર્ષિય અજય ગભાભાઈ મીર અને 18 વર્ષિય ભદ્રીક રમેશભાઈ બાવળીયાના મોત થયા છે. બંને યુવકો બરવાળાના રહેવાસી છે. આ ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ છે.
ગુજરાતમાં તળાવોમાં નાહવા માટે જતાં ડુબી જવાના બનાવો વધતા જાય છે. મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નાહવા પડેલાં 4 બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોતની નિપજ્યાની ગોઝારી ઘટના બની હતી. બુધવારે તળાવમાં બપોરે લગભગ બે વાગ્યે ચાર બાળકો નાહવા ગયા હતા. જેમાંથી બે બાળકો અને એક કિશોર ડૂબી ગયા હતા. એક બાળકે ગામમાં આવી અને વાત કરતા ગ્રામજનો તળાવ નજીક દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા ન હતા.