
QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર થઇ ચર્ચા,PM મોદીએ કહ્યું- ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે
- QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર ચર્ચા
- ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે – પીએમ
- વાતચીતથી શોધી કાઢો ઉકેલ
દિલ્હી:યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો.વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ પ્રમુખ જો બાઈડેન,જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર હતા.બેઠકમાં તમામ દેશોના નેતાઓએ યુક્રેન પર બગડતી સ્થિતિ અંગે પણ વાત કરી હતી.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે,દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.આવી સ્થિતિમાં આપણે હિંસાનો માર્ગ છોડીને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંકટનો અંત લાવવો જોઈએ.
વર્ચ્યુઅલ સમિટમાં, સપ્ટેમ્બર 2021માં યોજાયેલી ક્વાડ સમિટમાં નક્કી કરાયેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ પ્રસંગે નેતાઓએ આસિયાન, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પેસિફિક ટાપુઓમાં વિકાસ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.આ દરમિયાન ચાર દેશોના નેતાઓએ આ વર્ષના અંતમાં જાપાનમાં યોજાનારી સમિટ પહેલા નક્કર પરિણામો પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરવું જોઈએ અને પરસ્પર સહયોગ વધુ તીવ્ર બનાવવો જોઈએ.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ક્વાડને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તમામ જરૂરી પગલાં લેવાની જરૂર છે.પીએમ મોદીએ માનવતાવાદી અને આપત્તિ રાહત, સ્વચ્છ ઉર્જા કનેક્ટિવિટી તરફ મહત્વપૂર્ણ પગલાં લેવા પર ભાર મૂક્યો છે.