
નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસની બસોમાં પોલ્ટાવા પહોંચાડવામાં આવ્યાં છે. આમ હવે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુનું ઓપરેશન પૂર્ણ થવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 200 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ખાસ ફ્લાઈટ મારફતે રોમાનિયાના સુસેવાથી દિલ્હી પડોંચાડવામાં આવ્યાં હતા. યુક્રેનથી આવેલા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, જ્યારે અમે બસમાં પ્રવાસી રહ્યાં હતા ત્યારે ત્યાં કોઈ બોમ્બ વિસ્ફોટ થયો ન હતો. સરકાર અને દૂતાવાસે અમારી ઘણી મદદ કરી છે. અમે પરત આવીને ખુશ છીએ. યુક્રેનમાં ફસાયેલા લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ પૈકી 17400 વ્યક્તિઓને એરલિફ્ટ કરીને ભારત પરત લાવવામાં આવ્યાં છે. યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીયોને સહી સલામત પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હંગરી અને પોલેન્ડથી એરલિફ્ટનું કામ પૂર્ણ થયાનું જાણવા મળે છે. ઈન્ડિયન એરફોર્સ પણ ઓપરેશન ગંગામાં જોડાયું છે. એરફોર્સના સી-17 ગ્લોબસ્ટારની 10 ઉડાનોમાં બે હજારથી વધારે ભારતીયઓને પરત લાવવામાં આવ્યાં છે. યુક્રેનમાં અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓએ હંગરીની યુનિવર્સિટીમાં રાહતની રજૂઆત કરી છે. હંગરીએ ભારત, નાઈજીરિયા અને અન્ય આફ્રીકન દેશોના વિદ્યાર્થીઓ હંગરીના વિશ્વ વિદ્યાલયોમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનું સૂચન કર્યું હતું. બીજી તરફ યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ પોતાના અભિયાસને લઈને ચિંતામાં મુકાયાં છે.