
અમદાવાદઃ રાજ્યભરમાં ઉનાળો વધુ આંકરો બનતો જાય છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાઈ રહેલા ગરમ-સૂકા પવનને કારણે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વધી રહેલા તાપમાનથી લોકોના જનજીવન પર અસર પડી રહી છે. બપોરના ટાણે રસ્તાઓ પર ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે, ત્યારે એપ્રિલમાં જ ઉનાળો અસહનીય બની રહ્યો છે. બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં પણ હજુ લોકોને ગરમીથી રાહત મળશે નહીં.
હવામાન વિભાગે ગુજરાત, દીવ, દમણ, અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગમી પાંચ દિવસ હીટવેવની આગહી કરી છે. ગરમીથી બચવા કામ સિવાય ઘરની બહાર ન નિકળવા, વધુ પાણી પીવા,અને વૃદ્ધો તથા બાળકોનું ખાસ ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે. બુધવારે રાજકોટમાં વડોદરામાં અને સુરતમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટવેવનું જોર વધશે.
અમદાવાદમાં વર્ષ 2016માં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 16 મે 2016ના રોજ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી 6 ડિગ્રી વધારે હતું. આ પહેલા 1916ના વર્ષમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરિણામે એક સદી જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. એપ્રિલ મહિનામાં ગરમીની વાત કરીએ તો 27માંથી 26 દિવસ 41 ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે, જેમાં 2 વખત તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. આ પહેલા 8મી એપ્રિલના રોજ શહેરમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત એપ્રિલનું સરેરાશ તાપમાન પણ 42 ડિગ્રી આસપાસ રહ્યું છે. આ વર્ષે 27 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં એકપણ દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું નથી. આમ ક્રોક્રિટના જંગલસમા અમદાવાદ શહેરમાં તાપમાનમાં અસહ્ય વધારો થતો જાય છે.