
અંડર 19 વિશ્વકપઃ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું
- તા. 5મી ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે ફાઈનલ
- ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટીંગ કરી હતી
- ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 291 રનનો ટ્રાર્ગેટ આપ્યો હતો
- ઓસ્ટ્રેલિયા 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
- ભારતીય કેપ્ટન યશ ધૂલે 110 રન બનાવ્યાં હતા
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ રમાઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 96 રનથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 5મી ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અંડર 19 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ રમાશે. જેની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો વિજય થાય તેવી આશા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ રાખી રહ્યાં છે.
અંડર 19 ક્રિકેટ વિશ્વ કપની બીજી સેમિફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 290 રન કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન યશ ધૂલે શાનદાર 110 રન કર્યા હતા. આ ઉપરાંત વાઇસ કેપ્ટન શેખ રસીદે 94 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમા ઓસ્ટ્રેલિયન ટીમ 41.5 ઓવરમાં 194 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફ્થી લોસલન શો એ 51 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન યશ ધૂલને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વિશ્વ કપના ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો 5 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે થશે.
(Photo-BCCI)