1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ
અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

0
Social Share

અમદાવાદ 03 જાન્યુઆરી 2026: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. 40 લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં નાયબ કમિશનર (આઇ.બી) વાય. જી. દરજીની આગેવાની હેઠળ ઔષધ નિરીક્ષક ડૉ. પૂર્વા પટેલ સહિતના અધિકારીઓએ અમદાવાદ ખાતે આવેલા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-24ના પ્રથમ માળે આવેલ દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.

વધુમાં ધર્મેશભાઈની સધન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો. જેથી સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ ૬ દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. 40 લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

વધુ વાંચો: ગુજરાતમાં ટાઢોડું: પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયા સૌથી ઠંડુ નગર બન્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code