
UP: બાળક સાથે રાતના ડ્યુટી કરતી મહિલા પોલીસ કર્મચારીને જોઈ CM યોગીએ અધિકારીઓનો લીધો ક્લાસ
લખનૌઃ ગોરખપુરની બે દિવસની મુલાકાતે ગયેલા સીએમ યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને બાળક સાથે ડ્યુટી કરતી જોઈ ચોંકી ઉઠ્યાં હતા. સીએમ યોગીએ મહિલા પોલીસ કર્મચારીના બાળકને વહાલ કર્યું હતું. એટલું જ નહીં રાત્રે મહિલા કોન્સ્ટેબલની ફરજ અંગે અધિકારીઓની પૃચ્છા કરી હતી. સીએમએ પૂછ્યું હતું કે, તમે મહિલા કોન્સ્ટેબલને રાત્રે ડ્યુટી કેમ કરાવો છો? શું તેને નાનું બાળક પણ છે? મુખ્યમંત્રીના સવાલને પગલે પોલીસ અધિકારીઓએ જવાબ આપ્યો કે, કોન્સ્ટેબલની ડ્યુટી રાત્રે 10 વાગે ખતમ થઈ જશે. મુખ્યમંત્રીએ મહિલાઓને દિવસ દરમિયાન ફરજ બજાવવાની સલાહ આપી હતી.
મુખ્યમંત્રીએ ગોરખનાથ મંદિરમાં લગભગ અઢીસો લોકોની ફરિયાદ સાંભળી હતી. હિન્દુ સેવાશ્રમ ખાતે આયોજિત જનતા દર્શન કાર્યક્રમમાં તેમણે અધિકારીઓને વહેલી તકે સમસ્યાઓનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો હતો. અહીં મોટાભાગના કેસ પોલીસ અને રેવન્યુને લગતા હતા. સીએમ યોગીએ કુશીનગરમાં આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં કન્યાદાનને મહાદાન ગણવામાં આવે છે. પહેલા વાલીઓ ચિંતામાં રહેતા હતા, હવે સરકારની યોજના હેઠળ તેમની ચિંતા દૂર થઈ છે. આવું 2017 પહેલા પણ થઈ શક્યું હોત, તેમજ જનતાને સરકારની યોજનાઓનો લાભ મળી શક્યો ન હતો.
તેમણે વધુમાં કહ્યું કે 2017 પછી યોજનાઓનો લાભ રાજ્યના દરેક ગરીબ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પાત્રતા ધરાવતા લોકોને શૌચાલય, આવાસ, વીજળી, આયુષ્માન ભારત યોજના અને જન આરોગ્ય જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ યોજનાઓને વાસ્તવિક જરૂરિયાતમંદો સુધી લઈ જઈ રહી છે. દરેક ગરીબ અને ખેડૂતનો ઉત્કર્ષ, યુવાનોને રોજગાર અને મહિલાઓને સુરક્ષાની ખાતરી મળી રહી છે.