UP: મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ખળભળાટ
લખનૌ, 6 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મંગળવારે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી આવતાની સાથે જ યુપીના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ પ્રક્રિયામાં અધધ 2 કરોડ 88 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
- મતદારોની સંખ્યા 15 કરોડથી ઘટીને 12.55 કરોડ થઈ
અગાઉ ઉત્તર પ્રદેશમાં મતદારોની કુલ સંખ્યા 15 કરોડથી વધુ હતી, પરંતુ સઘન તપાસ અને શુદ્ધિકરણ બાદ હવે રાજ્યમાં કુલ 12 કરોડ 55 લાખ મતદારો નોંધાયા છે. SIR ના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશના મોટા શહેરોમાં મતદારોના નામ કપાવાની સંખ્યા સૌથી વધુ છે. ખાસ કરીને રાજધાની લખનઉ આ બાબતે મોખરે છે. લખનઉમાં 12 લાખથી વધુ, પ્રયાગરાજમાં 11.56 લાખ, કાનપુરમાં 9 લાખથી વધુ, આગ્રામાં 8.36 લાખ, ગાઝિયાબાદમાં 8.18 લાખ, બરેલીમાં 7.14 લાખ મેરઠમાં 6.66 લાખ, ગોરખપુરમાં 6.46 લાખ અને વારાણસમીમાં 5.73 લાખ મતદારોના નામ કપાયા છે.
ચૂંટણી પંચે અગાઉ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરવાની તારીખમાં ફેરફાર કર્યો હતો. યુપી મોટું રાજ્ય હોવાથી અને મતદારોની સંખ્યા વિશાળ હોવાથી 31 ડિસેમ્બરની સમયમર્યાદા વધારીને 6 જાન્યુઆરી કરવામાં આવી હતી. હવે જેમના નામ કપાયા છે અથવા જેમણે નવા નામ નોંધાવવા છે, તેઓ આગામી દિવસોમાં વાંધા-સૂચનો રજૂ કરી શકશે.


