
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે વિકાસ કામો ચાલી રહ્યા છે. તે ચૂંટણી પહેલા પૂર્ણ કરવા ગાંધીનગરથી સુચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ વચ્ચે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 અને 2022- 2023ના બજેટમાં થયેલી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. બજેટ રિવ્યુ બેઠકમાં શહેરમાં તમામ પ્રોજેક્ટ અને કામગીરી અંગેની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી ભાજપના શાસકોએ અધિકારીઓને તમામ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં હેબતપુર બ્રિજ, વેજલપુર સરખેજને જોડતો ટોરેન્ટબ્રિજ અને વસ્ત્રાપુર રેલવે સ્ટેશન બ્રિજ, શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ અને મકતમપુરા કોમ્યુનિટી હોલને પ્રાયોરીટી આપવા સુચના આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. કેટલાક કામો ચાલી રહ્યા છે. તો કેટલાક કામો પાઈપ લાઈનમાં છે. મ્યુનિ.કમિશનર અને મ્યુનિ.ના પદાધિકારોની બેઠક મળી હતી. જેમાં બજેટના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જે કામો હાલ ચાલી રહ્યા છે. તે સમય અવધીમાં પૂર્ણ કરવા માટે માટે તાકિદ કરવામાં આવી હતી. જ્યારે બાકી રહેલા કામોના ટેન્ડરો પ્રક્રિયામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. મ્યુનિ.ની મળેલી બેઠકમાં મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભટ્ટ, દંડક અરૂણસિંહ રાજપુત, શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, વર્ષ 2021-22ના બજેટના 85 ટકા કામ પૂર્ણ થયા છે. માત્ર પાંચ જેટલા કામો ટેકનિકલ અને જગ્યાના અભાવે બાકી રહ્યા છે. બજેટની રીવ્યુ બેઠકની અંદર તમામ ખાતાના અધિકારીઓને દરેક પ્રોજેક્ટ અને હાલમાં ચાલતા પ્રોજેક્ટની ઝડપી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ પ્લાસ્ટિક રોડ ટેન્ડરમાં છે અને આ જ વિસ્તારમાં જીમ બનાવવાનું છે, જે જગ્યાના અભાવે પૂર્ણ થઇ શક્યુ નથી. વર્ષ 2021-22માં રૂ.170 કરોડના વિકાસ અને પ્રજાલક્ષી કામો કરાયા હતા.
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન 15 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પણ સવા લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. સ્ટેડિયમનો વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રૂ. 22 કરોડ ફાળવવામાં આવ્યા છે જેનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે.
અમદાવાદ મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ કામગીરી અને પ્રોજેક્ટના ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નવા CHC, PHC અને 100 બેડની હોસ્પિટલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં છે. રૂ. 165 કરોડના ખર્ચે નરોડામાં થ્રી-જંકશન ફલાયઓવર બ્રિજ બનાવવા આવશે. જેનું ટેન્ડર થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં ટેન્ડર ખુલશે જેથી ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે. નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે સૌથી મોટો પ્રોજેક્ટ અમદાવાદનો છે જેનું ખાતમુહૂર્ત 29મીએ કરવામાં આવશે. શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ ઉભા કરવામાં આવશે, જે આગામી સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. દરેક ઝોનમાં માર્ટ સ્કૂલ, સોલાર રૂફ ટોપ, ઇલેક્ટ્રિકલ ચાર્જીંગ સ્ટેશન, સોલર પ્લાન્ટ, સ્વચ્છતા અભિયાન સહિતના કામો પણ ઝડપથી શરૂ કરવામાં આવશે.