
કોરોના મહામારીમાં ઓક્સિજનનો કરકસરથી ઉપયોગ કરવા કોવિડ હોસ્પિટલોને તાકીદ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજનની ભારે અછત ઉભી છે. દરમિયાન વડોદરા, અમદાવાદ સહિતના મહાનગરોમાં ઓકસીજનનો કરકસરથી ઉપયોગ કરવા કોવિડ હોસ્પિટલોને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે નિયુક્ત થયેલા આઈપીએસ અધિકારી વિનોદ રાવએ ઓકસીજનની તંગીને જોતા મહાનગરની હોસ્પીટલોને ચાર કેટેગરીમાં વહેંચી છે. જેમને ઓકસીજનની જરૂર હોય તેવા નવા દર્દીઓને હાલ દાખલ ન કરવા તથા હોસ્પીટલોના ઓકસીજન વપરાશ પર પણ કાપ મુકવા સૂચન કર્યું છે. મહાનગરની બહાર સરકારી હોસ્પીટલને ઓક્સિજનના વપરાશમાં 10થી15 ટકાનો કાપ મુકવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જયારે ગ્રુપ એ ની 25 હોસ્પીટલો કે જે ખાનગી સંચાલન હેઠળ છે તેમને પણ 15 ટકાનો કાપ મુકવા જણાવાયું છે અને આ રીતે મહાનગરની હોસ્પીટલોમાં ઓકસીજનનો વપરાશ ઘટે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. જેથી દર્દીઓના પરિવારજનો ઓક્સિજન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા ઓક્સિજનનો પુરતો જથ્થો મેળવવા માટે કવાયત શરૂ કરી છે.