વાશિંગ્ટન, 4 સપ્ટેમ્બર 2026: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગુરુવારે ઈરાન સાથેના છ મહિનાથી ચાલતા સંઘર્ષને ‘યુદ્ધ’ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા કરવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. આ લડાઈ નવેમ્બરના મિડટર્મ ઇલેક્શન પહેલા સમાપ્ત થશે કે કેમ તે અંગે તેમણે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી.
ઈરાનના દક્ષિણમાં સિરિક કાઉન્ટીના કુહેસ્તક ગામમાં 1 સપ્ટેમ્બરે એક શાદીના કાર્યક્રમ દરમિયાન થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો છે, જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં અમેરિકી હથિયાર વપરાયા હોવાની આશંકા વચ્ચે અમેરિકાએ સત્તાવાર તપાસ શરૂ કરી છે. ઉપરાષ્ટ્રપતિ વેન્સે જણાવ્યું હતું કે જો અમેરિકી સેનાથી કોઈ ભૂલ થઈ હશે તો તેમાંથી શીખીને સુધારો કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના વિશ્લેષણમાં પણ હથિયાર અમેરિકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તાજેતરમાં અમેરિકા દ્વારા ઈરાની તટ પર કરવામાં આવેલા હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા મધ્ય પૂર્વમાં અમેરિકી ઠીકણાઓ પર કરાયેલા જવાબી હુમલાના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 96 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયો હતો. જોકે, ગુરુવારે બંને પક્ષો તરફથી કોઈ મોટો હુમલો ન થતાં તાજેતરનો તણાવ થોડો ઓછો થતો જોવા મળ્યો છે.


