Homeગુજરાતીદેશ-વિદેશઉત્તર પ્રદેશઃ કૌશાંબીમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટથી 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશઃ કૌશાંબીમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટથી 7 લોકોના મોત

પ્રયાગરાજ, 31 ઓગસ્ટ 2026: ઉત્તર પ્રદેશના કૌશાંબી અને પ્રયાગરાજ બોર્ડર પર આવેલા પિપરી અને મુફ્તી વિસ્તારની સરહદ પાસે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આદિત્ય નામના સંચાલક દ્વારા ચલાવવામાં આવતા ફટાકડાના ગોડાઉનમાં સવારે આશરે 11 વાગ્યે થયેલા આ પ્રચંડ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, બ્લાસ્ટનો અવાજ આસપાસના 2 કિલોમીટરના વિસ્તાર સુધી સાંભળવા મળી હતી. બ્લાસ્ટની ચપેટમાં આવવાથી આસપાસના અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે અને કેટલાક ઘર જમીનદોસ્ત થઈ ગયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ કૌશાંબી અને પ્રયાગરાજ એમ બંને જિલ્લાના ડીએમ, એસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અનેક પોલીસ સ્ટેશનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. વિસ્ફોટવાળા સ્થળે સતત ફટાકડા ફૂટી રહ્યા હોવાના કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે, છતાં કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ગ્રામજનો પણ કાંબો હટાવવામાં મદદ કરી રહ્યા છે.

નિયમ અનુસાર લાયસન્સમાં માત્ર 10 કિલો સુધી જ દારૂગોળો રાખવાની મંજૂરી હોય છે, પરંતુ આટલો મોટો વિસ્ફોટ દર્શાવે છે કે ગોડાઉનમાં ક્વિન્ટલોના હિસાબે ભારે માત્રામાં ગેરકાયદેસર દારૂગોળાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વસ્તીની નજીક આ રીતે ચાલતા ફટાકડાના ગોડાઉનની સુરક્ષા અને પરવાનગી સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular