
ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો.
જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, જેમને રકમ પહોંચડતો હતો. જેલ કર્મચારીઓની મદદથી જ તેણે ઉમેશ પાલની હત્યા કરનાર શૂટરોની અશરફની જેલમાં મુલાકાત કરાવી હતી. આરોપી જેલ કર્મચારીઓ પણ હાલ જેલમાં બંધ હોવાનું જાણવા મળે છે.
બિથરી ચૈનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી સદ્દામની ધરપકડ બાકી હતી. આ ઉપરાંત પ્રયાગરાજના ગુડ્ડુ બમબાજ અને અરમાન પણ આ કેસમાં આરોપી છે. બંને મામલે પણ પોલીસને સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી છે.
સદ્દામની ધરપકડ બાદ વોન્ટેડ તેની બહેન ઝૈનબ અને અતિકની પત્ની શાઈસ્તા મામલે મહત્વની માહિતી મળ્યાનું જાણવા મળે છે. પ્રયાગરાજ પોલીસ અને એસટીએફની ટીમ બરેલી એસટીએફના સતત સંપર્કમાં છે. તેમજ ફરાર ચારેય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસે સદ્દામની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.