
ઉત્તરાખંડઃ સીએમ પુષ્કર ધામી સાથે આઠ મંત્રીઓએ લીધા શપથ, મંત્રીમંડળમાં 3 નવા ચહેરાનો સમાવેશ
નવી દિલ્હીઃ પુષ્કર સિંહ ધામીએ બુધવારે બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ધામીની સાથે આઠ મંત્રીઓને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. નવી કેબિનેટમાં જૂના અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળે છે. જેમાં ધામીના જૂના કેબિનેટના પાંચ મંત્રીઓને ફરી સ્થાન મળ્યું છે. પ્રેમચંદ્ર અગ્રવાલ, જે ગત વિધાનસભાના સ્પીકર હતા, તેમને પણ ધામી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં નવા ચહેરા તરીકે સૌરભ બહુગુણા અને ચંદન રામ દાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લી વખત જ્યારે ધામીએ શપથ લીધા ત્યારે તેમની સાથે 11 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ 11માંથી બે મંત્રી હરક સિંહ રાવત અને યશપાલ આર્ય પાર્ટી છોડીને કોંગ્રેસમાં ગયા હતા. આર્ય ગયા વર્ષે ઓક્ટોબરમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે હરકસિંહ રાવતે ચૂંટણી દરમિયાન ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. નવ મંત્રીઓમાંથી, સ્વામી યતિશ્વરાનંદ હરિદ્વાર ગ્રામીણ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની પુત્રી અનુપમા રાવત સામે હારી ગયા.
આમ આઠ મંત્રીઓમાંથી પાંચને આ વખતે પણ સ્થાન મળ્યું છે. જેમાં રેખા આર્ય, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, સતપાલ મહારાજ અને ધન સિંહ રાવતનો સમાવેશ થાય છે. જ્યારે અરવિંદ પાંડે, બિશન સિંહ ચુફાલ અને બંશીધર ભગતને નવી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને ત્રણ નવા ચહેરા કેબિનેટનો ભાગ બનશે.