
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ પર્વનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ સહિત મહાનગરો અને તમામ નાના-મોટા શહેરો તેમજ ગામડાંઓમાં પણ પતંગરસિયાઓ રંગબેરંગી પતંગો ચગાવીને મોજ માણતા હોય છે. પરંતુ આ વખતે પતંગ અને દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો હોવાથી ઉત્તરાણનું પર્વ મોંઘું પડશે. પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 30 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ખંભાત, ભરૂચ સહિત અનેક શહેરોમાં પતંગો બનાવવાનો ગૃહ ઉદ્યોગ છે. તેમને પણ મોંઘવારી નડી રહી છે. ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી રૂપિયા 20 હતી. જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૂપિયા 30 ચૂકવવા પડશે. આમ, પાંચ પતંગ એટલે કે પંજાની કિંમતમાં 5-15 રૂપિયાનો વધારો થયો છે. રૂ.6 થી લઈ 150 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150-200 જેટલા વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે. આગામી બે અઠવાડિયા બાકી છે ત્યારે જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે. એવી વેપારીઓને આશા છે.
પતંગ-દોરીના હોલસેલ વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, આ વર્ષે પતંગની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2023 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જોકે, આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે એવું લાગી રહ્યુ છે. ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.
પતંગ બનાવનારા કારીગરોના કહેવા મુજબ આ વખતે કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 20-30 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં છે.