
વાવાઝોડાના સંકટને પગલે અમદાવાદના 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રખાયું
અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનું સંક્ટ તોડાઈ રહ્યું છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે કોરોના રસીકરણ અભિયાનને અસર પડી રહી છે. અમદાવાદમાં વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીમાં રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અત્યાર સુધી મેગાસિટી અમદાવાદમાં જ નોંધાયાં છે. કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.રાજ્યમાં 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. જોકે, તૌકતે વાવાઝાડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 160 કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ વેક્સિનેશન કાર્યક્રમ બંધ રાખવા સૂચના અપાઈ છે. આ બે દિવસ દરમિયાન 18થી 44 અને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન અપાશે નહીં. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે આ નિર્ણય લેવાયો હતો.