વડોદરાઃ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ મળી રહેશે
અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીના હસ્તે એરપોર્ટ પોસ્ટ ઓફીસના પહેલા ખાતા ધારકને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ ખાતે પોસ્ટ વિભાગની હાજરીનું પ્રતિક બનવા સાથે એરપોર્ટના સ્ટાફ અને આવનાર પેસેન્જર ગ્રાહકોને પોસ્ટ વિભાગની બધી જ સેવા અહીંથી મળી રહેશે.

સંચાર રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ પોસ્ટ ઓફીસ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે બચત ખાતું, ટાઈમ ડીપોઝીટ, રિકરીંગ ડીપોઝીટ, સુકન્યા સમૃદ્ધી યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ, કિસાન વિકાસ પત્ર વગેરેમાં નાણા જમા- ઉપાડની સુવિધા પૂરી પાડશે.આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ પરના લોકોને મહત્વની સેવાઓ આપવામાં આગવી ભૂમિકા ભજવશે.
આ પોસ્ટ ઓફીસ “ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક” ની સુવિધાથી સજ્જ છે જેમાં અહીના સ્ટાફ અને પેસેન્જર ને “Aadhaar Enabled Payment System” ની મદદથી તેઓના કોઈ પણ બેંકના ખાતામાંથી નાણાના ઉપાડની સુવિધા આપી તેઓનો સમય બચાવશે.
આ પોસ્ટ ઓફીસ પાર્સલ પેકેજીંગ અને બુકિંગની સુવિધા પણ પૂરી પાડશે જેનાથી એરપોર્ટ પર આવતા પેસેન્જર જેઓ પાસે વધારાનું બેગેજ હોય છે અને તેને લઇ જવા માટે અવરોધ ઉભો થાય તેઓ આ પાર્સલ સુવિધાથી આવો વધારાનો સામાન પોતાના સરનામાં પર વ્યાજબી ખર્ચથી મોકલી શકશે. અહી “My Stamp” ની પણ સેવા આપવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટા વાળી પોસ્ટેજ સ્ટમ્પ બનાવડાવી શકશે અને તેને સંભારણા તરીકે સાચવી શકશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

