1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્યમાં રૂ. 3 હજાર કરોડના રોકાણ માટે 3 એમઓયુ થયાં
વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્યમાં રૂ. 3 હજાર કરોડના રોકાણ માટે 3 એમઓયુ થયાં

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્યમાં રૂ. 3 હજાર કરોડના રોકાણ માટે 3 એમઓયુ થયાં

0
Social Share

અમદાવાદઃ બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે. આ ઉપક્રમના દસમાં તબક્કામાં આજે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સ્થાપના  માટે રૂ. 3000 કરોડથી વધુના રોકાણો માટે ત્રણ MoU થયા છે. તેનાથી સંભવિત નવ હજાર જેટલી રોજગારીની તકોના અવસર ઊભા થશે.

આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં થયેલા MoU સહિત દસ તબક્કામાં કુલ 18,485.60 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના 39 MoU થયાં છે. આ MoU સાકાર થતાં ભવિષ્ય રાજ્યમાં સમગ્રતયા 65 હજાર જેટલા રોજગાર અવસરો ઊભા થશે. આજે થયેલા આ MoU અનુસાર વડોદરા જિલ્લાના આજવા ખાતે એન્જીનીયરીંગ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ટુ અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટે વર્ડવિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ દ્વારા રૂ. બે હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ વર્ષ 2024માં કાર્યરત થતા પાંચ હજાર જેટલી રોજગારી પ્રાપ્ત થશે.

અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામે ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત કરવા માટે રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક રૂ. 500 કરોડનું રોકાણ કરશે તથા અંદાજે 2500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ ઓક્ટોબર-2024 સુધીમાં કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદ વિસ્તારમાં પહેલો ખાનગી ZLD-CETP ધરાવતો પાર્ક બનશે. આ ઉપરાંત, પિગોટ બિલ્ટકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ. 500 કરોડના રોકાણ સાથે મહત્તમ સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી આધારિત એકમો ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામે સ્થાપિત થનારા આ પાર્કમાંથી આશરે 1500 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.

MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code