
ઘોઘા તાલુકામાં એસટી બસોની અપુરતી સુવિધાથી ગ્રામજનો પરેશાન, લોકો જોખમી મુસાફરી કરે છે
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકામાં એસટી બસની પુરતી સુવિધા ઉપલબ્ધ નહોવાથી ગ્રામજનોને ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાની જેમ પુરાયને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત જિલ્લાના અનેક અંતરિયાળ ગામડાઓમાં એસટી બસોની અપૂરતી સુવિધાને પગલે આવાં અંતરિયાળ ગામડાઓમાંથી ભાવનગર શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારી પરિવહન સેવાઓથી વંચિત છે. જેમાં જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામ અંતરિયાળ છે, જયાં આજે પણ ખાનગી વાહન ચાલકોનો દબદબો અકબંધ છે, પરંતુ એસટી બસની સેવા ઉપલબ્ધ નથી. પરિવહન સેવા પ્રાપ્ય ન હોવાને કારણે ગરીબ વર્ગના લોકો તથા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યાં છે. ભીકડા ગામથી ભાવનગરને જોડતી એક પણ એસટી બસ ન હોવાનાં કારણે આ ગામમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ પોતાના ગામથી ખાનગી વાહનોમા બેસી ભાવનગર આવે છે. જયાં શાળાઓ કોલેજોમાં અભ્યાસ કરી સાંજે પરત ફરતા હોય છે ભીકડા ગામેથી ભાવનગર આવતા વાહનોમાં હંમેશા ભીડ રહે છે, આથી વિદ્યાર્થીઓ પોતાના જીવ જોખમમાં મૂકી વાહનોની છત પર બેસીને પણ મુસાફરી કરવા મજબૂર બને છે. તદ્દઉપરાંત ખાનગી વાહન ચાલકો વાહનોની કેપીસીટી કરતાં વધુ મુસાફરોને ઘેટાં બકરાંની માફક ઠાંસી-ઠાંસીને ભરે છે. આ રીતે કાયદાનું છડેચોક થતું ઉલ્લંઘન પોલીસ તથા RTOની નઝર સામે જ થતું હોવા છતાં સમગ્ર મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભાવનગરના જ હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પરિવહનની ઉચિત વ્યવસ્થા ગોઠવે એવી લોક માંગ પ્રબળ બની છે.