Homeગુજરાતીદેશ-વિદેશફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, વાહનો કરતાં રાહદારીઓનો હક પહેલોઃ...

ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, વાહનો કરતાં રાહદારીઓનો હક પહેલોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે ફૂટપાથ અને રાહદારીઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ફૂટપાથ એ માનવ જીવનનો અભિન્ન હિસ્સો છે અને રસ્તાઓ પર રાહદારીઓ માટે સુરક્ષિત તથા સ્પષ્ટ રીતે ચિહ્નિત જગ્યા હોવી અનિવાર્ય છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવીને કેન્દ્ર સરકારના નિર્દેશોના પાલન અંગે જવાબ માંગ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં રસ્તાઓ હોય ત્યાં પેડેસ્ટ્રિયન માટે અલગ અને સ્પષ્ટ જગ્યા હોવી જ જોઈએ. આ જગ્યા પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ ન થવું જોઈએ અને વાહનોના માર્ગથી તેને સુરક્ષિત રીતે અલગ રાખવી જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકો કોઈપણ ડર વગર રસ્તા પર ચાલી શકે.

કોર્ટે અગાઉ 19 જૂનના પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે ચિહ્નિત ફૂટપાથ પર ચાલવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)(ડી) હેઠળ ‘આવાગમનના અધિકાર’ અને આર્ટિકલ 21 હેઠળ ‘જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર’ નો આ એક મહત્વપૂર્ણ ભાગ છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, ફૂટપાથ પર પગપાળા ચાલનારાઓનો અધિકાર મોટર વાહનોની અવરજવર કરતા હંમેશાં ઉપર છે.

સર્વોચ્ચ અદાલતે સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારીઓ પણ નક્કી કરી છે. કોર્ટના મતે દેશના તમામ નગર નિગમો, શહેરી વિકાસ સત્તામંડળો અને પંચાયતોની મુખ્ય જવાબદારી છે કે, તેઓ ફૂટપાથનું યોગ્ય નિર્માણ કરે, તેનું યોગ્ય સીમાકન અને સમયસર મરામત કરે તથા ફૂટપાથને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત રાખે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ નાગરિકના આ ફૂટપાથ પર ચાલવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે, તો નાગરિકો બંધારણીય અને કાનૂની ઉપાયો અપનાવવાની સાથે-સાથે વળતરની માંગ પણ કરી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular