Homeગુજરાતીદેશ-વિદેશનીતિન ગટકરી રાજકારણમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યાં છે? જાણો શું કહ્યું નાગપુરના...

નીતિન ગટકરી રાજકારણમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યાં છે? જાણો શું કહ્યું નાગપુરના કાર્યક્રમમાં

નાગપુર, 25 ઓગસ્ટ 2026: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. કામની થાક અને પોતાના જાહેર જીવન વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી સતત સાર્વજનિક જીવનમાં કામ કરી રહ્યા છે, પરંતુ હવે તેઓ વધારે સામાજિક કામ કરી શકે તેમ નથી અને નવી પેઢીએ આગળ આવીને આ જવાબદારી સંભાળવી જોઈએ. જો કે, તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની કોઈ સ્પષ્ટ વાત નથી કરી, પરંતુ તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળમાં અનેક પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.

નાગપુરમાં ‘એકલવ્ય એકલ વિદ્યાલય શિક્ષક-પરિવીક્ષક પ્રશિક્ષણ વર્ગ’ના કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ ખૂબ જ સરળ અને નિખાલસ અંદાજમાં કહ્યું કે, “સાચું કહું તો હું કોઈ પ્રેરણા સ્રોત વગેરે નથી. આજકાલ હું વધારે કામ નથી કરી શકતો. જ્યારે હું કરી શકતો હતો ત્યારે કામ કર્યું, હવે મારું કામમાં પાર્ટિસિપેશન ઓછું થઈ ગયું છે.” તેમણે ઉમેર્યું કે તેમણે સૌને કહ્યું છે કે હવે કામ નવી પેઢીના હાથમાં સોંપવું જોઈએ. નવા લોકો આગળ આવી રહ્યા છે, જ્યારે જૂના આગેવાનો તેમને માર્ગદર્શન આપી રહ્યા છે.

કાર્યક્રમમાં આગળ વાત કરતા તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આવનારા સમયમાં આ કામ એટલું વધશે કે મહારાષ્ટ્રના એક પણ આદિવાસી ગામમાં અંધારું નહીં રહે, પરંતુ દરેક જગ્યાએ વિકાસની રોશની ફેલાશે. આ ચિત્ર બદલવાનું કાર્ય માનકર ટ્રસ્ટનું મુખ્ય કામ છે અને આપણે સૌએ મળીને આ પરિવર્તન લાવવાનું છે.

  • જૂના દિવસોને યાદ કર્યા

આ પ્રસંગે ગડકરીએ પોતાની ભૂતકાળની જીવનશૈલી અને સ્વાસ્થ્ય વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે અગાઉ તેમની લાઈફસ્ટાઈલ અલગ હતી અને તેઓ ગમે ત્યારે કંઈ પણ ખાવા-પીવા લાગતા હતા. પાર્ટીના કામ દરમિયાન તેઓ ગમે તે સ્થિતિમાં રહીને કામ કરતા અને ક્યારેક સમોસા ખાઈને પણ સૂઈ જતા હતા. પરંતુ, કોરોના મહામારી પછી તેમણે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે આજે તેઓ નિયમિતપણે કસરત કરે છે કારણ કે શરીરનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. ગડકરીના મતે જો માણસ સ્વસ્થ ન હોય તો સત્તા અને પદનો કોઈ જ અર્થ રહેતો નથી. તેમના આ નિવેદનને ભવિષ્યના રાજકીય અને સંગઠનાત્મક બદલાવો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular