Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકાની સ્થિતિ નબળી પડી રહી છે અને ભારત દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારી...

અમેરિકાની સ્થિતિ નબળી પડી રહી છે અને ભારત દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છેઃ UN મહાસચિવ

નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક ઈન્ટરવ્યુમાં વૈશ્વિક રાજકારણ અને વૈશ્વિક સંસ્થાઓની કાર્યપદ્ધતિને લઈને ચોંકાવનારા અને મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં અમેરિકાની સ્થિતિ ક્રમશઃ નબળી પડી રહી છે, જ્યારે ભારત ઝડપથી દુનિયામાં પોતાનું દબદબો અને પ્રભુત્વ કાયમ કરી રહ્યું છે. આ સાથે ગુટેરેસે ભારતને દુનિયાની એક મોટી ‘મિડલ પાવર’ તરીકે ઓળખાવી છે.

પ્રસિદ્ધ મીડિયા હાઉસ ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં ગુટેરેસે સ્પષ્ટપણે કહ્યું કે વિશ્વમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે યુએન સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) ની સાથે-સાથે વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં પણ તાત્કાલિક મોટા ફેરફારો કરવાની જરૂર છે. આ માટે નવા ઉભરી રહેલા દેશોએ આગળ આવવું પડશે, કારણ કે આ ત્રણેય સંસ્થાઓ સમગ્ર વિશ્વની વ્યવસ્થાને નિયંત્રિત કરવા સાથે જોડાયેલી છે. મહાસચિવના મતે, અમેરિકાના વલણ અને બજેટમાં વારંવાર કરવામાં આવતા કાપના કારણે યુએનનું કામકાજ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. જે મૂળભૂત ઉદ્દેશ્યો અને મિશન માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી, તેને હાલના સંજોગોમાં પૂરા કરવા મુશ્કેલ બની રહ્યા છે. આ દરમિયાન તેમણે અમેરિકા પર પણ નિશાન સાધતા કહ્યું કે ‘પીસ બોર્ડ’ એ ક્યારેય યુએનનો વિકલ્પ બની શકે નહીં.

  • અમેરિકા સહિતના શક્તિખાળી દેશોની મનમાની

ઇન્ટરવ્યુમાં ગુટેરેસેએ જણાવ્યું હતું કે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રૂસ અને ચીન જેવા દુનિયાના શક્તિશાળી દેશો હવે પોતાની મનમાની વધુ સમય સુધી લાદી શકે નહીં. તેમજ દુનિયાના ઘણા દેશો અત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ તેમને વૈશ્વિક સ્તરે પૂરતું મહત્વ કે સ્થાન આપવામાં આવી રહ્યું નથી, જેના કારણે સ્થિતિ વણસી રહી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલ હાલમાં પંગુ બની ગઈ છે. અમેરિકા અને રૂસ દ્વારા વારંવાર વાપરવામાં આવતા ‘વીટો’ પાવરના કારણે અનેક ગંભીર મામલાઓમાં કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. યુએન હાલમાં આર્થિક અને વહીવટી સંકટનો સામનો કરી રહ્યું છે. પૂરતા કર્મચારીઓ અને સંસાધનોના અભાવે વૈશ્વિક યુદ્ધો અને સંઘર્ષો રોકવામાં મુશ્કેલી પડી રહી છે. ગુટેરેસે ચેતવણી આપતા જણાવ્યું કે હાલ વિશ્વમાં જે પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, તેવી જ સ્થિતિ યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા પહેલા સર્જાઈ હતી.

આ તમામ મુશ્કેલીઓ છતાં ગુટેરેસે એ વાત પર ભાર મૂક્યો હતો કે યુએનનો કોઈ બીજો વિકલ્પ નથી. ભલે આજે સંસ્થા શક્તિહીન દેખાતી હોય, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રભાવ હજુ પણ મોટો છે. જો તેને પૂરતું સક્ષમ અને મજબૂત બનાવવામાં આવે, તો આ વૈશ્વિક પડકારો સામે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1945માં યુદ્ધોને અટકાવવા અને વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના મુખ્ય ધ્યેય સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જોકે, વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓમાં આ સંગઠન પોતાની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરી શક્યું છે તે એક મોટો પ્રશ્ન બન્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular