નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: ભારતીય રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને અત્યાધુનિક ટેકનોલોજી તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે ભારતમાં એવા લડાકુ વિમાનો (ફાઈટર જેટ) વિકસાવવાની દિશામાં કામ શરૂ થઈ ગયું છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી વધુ સ્વાયત્ત બનાવી શકાય. બેંગલુરુ સ્થિત ડિફેન્સ સ્ટાર્ટઅપ ‘ ફ્લાઈંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ દ્વારા FWD સુપ્રીમ લાઈટ નામના નવા ફ્લાઈંગ ટેસ્ટબેડની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 250 કિલોગ્રામ વજન ધરાવતો આ એરક્રાફ્ટ એક અત્યાધુનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યના AI-પાવર્ડ કોમ્બેટ એરક્રાફ્ટ માટે જરૂરી તમામ અદ્યતન તકનીકોને વિકસાવવાની અને તેનું પરીક્ષણ કરવાની છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ‘FWD સુપ્રીમ લાઈટ’ ની પ્રથમ ઉડાન ચાલુ વર્ષ એટલે કે 2026 માં જ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ફ્લાઈંગ ટેસ્ટબેડ દ્વારા એવી ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવશે, જેનાથી ભવિષ્યના લડાકુ વિમાનો માનવીય હસ્તક્ષેપ વગર જાતે જ અનેક નિર્ણયો લેવા અને કામ પાર પાડવા સક્ષમ બનશે.
આ ટેકનોલોજીમાં નીચે મુજબની મુખ્ય ક્ષમતાઓનો સમાવેશ થાય છે:
ઓટોનૉમસ નેવિગેશન: વિમાન જાતે જ પોતાનો રસ્તો નક્કી કરવા અને બદલવામાં સક્ષમ બનશે.
સેન્સર ફ્યુઝન: વિવિધ સેન્સર્સ દ્વારા મળતી માહિતીને એકસાથે જોડીને વાસ્તવિક સ્થિતિનું આકલન કરવું.
ઓટોનૉમસ મિશન એક્ઝિક્યુશન: મિશન દરમિયાન યુદ્ધની પરિસ્થિતિ મુજબ જાતે જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ક્ષમતા.
- AI એરક્રાફ્ટનું ‘સ્વાર્મ’ તૈયાર કરવાની યોજના
કંપનીનું ભવિષ્યનું વિઝન માત્ર એક જ AI વિમાન સુધી મર્યાદિત નથી, પરંતુ આગળ ચાલીને અનેક AI-સક્ષમ વિમાનો એકસાથે મળીને કામ કરી શકે તેવી ‘સ્વાર્મ ટેક્નોલોજી’ વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. એટલે કે, અનેક માનવરહિત અથવા AI-સક્ષમ વિમાનો એકબીજા સાથે સુમેળ સાધીને દુશ્મનો પર નજર રાખવા, લક્ષ્ય નક્કી કરવા અને અન્ય જોખમી મિશનોને સફળતાપૂર્વક અંજામ આપવામાં સક્ષમ બનશે.
-
નાના અને મુશ્કેલ રનવે પરથી પણ ઉડાન ભરવાની ક્ષમતા
આ કોન્સેપ્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં RATO (Rocket Assisted Take-Off) ટેકનોલોજીના ઉપયોગની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. આ ટેકનિકની મદદથી વિમાનને ઓછા લંબાઈવાળા અથવા તો મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિવાળા નાના રનવે પરથી પણ સરળતાથી ટેક-ઓફ (ઉડાન) કરાવવામાં મદદ મળી રહેશે. ‘FWD સુપ્રીમ લાઈટ’ ને ભારતમાં પ્રાઈવેટ સેક્ટર દ્વારા AI આધારિત સ્વાયત્ત લડાકુ વિમાન ટેકનોલોજી વિકસાવવાની દિશામાં એક પ્રારંભિક અને મજબૂત કદમ માનવામાં આવી શકે છે. જો આ ટેસ્ટબેડના પરીક્ષણો સફળ રહે છે, તો ભવિષ્યમાં ભારતીય સેના માટે સ્વદેશી AI, ઓટોનોમી અને સ્વાર્મ ટેક્નોલોજી પર આધારિત બ્રાન્ડ ન્યુ એર કોમ્બેટ સિસ્ટમ્સ વિકસાવવાના દરવાજા ખુલી જશે.


