જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ
પેટ્રોલ-ડીઝલ અંગે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશેઃ ગુજરાત સરકાર
ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં.
શું કહ્યું હર્ષ સંઘવીએ, જુઓ વીડિયો
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.”
ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રીવ્યુ લેવામાં આવી રહ્યા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે.


