
અમદાવાદઃ શહેરના તમામ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી પાઈવલાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે, સામાન્ય રીતે ઉનાળામાં પાણીની વપરાશ વધતી હોય છે. ત્યારે શહેરના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેર વિભાગની લાપરવાહીને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે. એએમસીના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાકટરોની લાલિયાવાડીના કારણે ખાડિયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાડિયા ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં આજે સવારે પાણી ન આવતા 1000થી વધુ પરિવારો પાણી વગર ટળવળ્યાં હતા. શહેરના સારંગપુર પાસે આવેલી મધુબાગ ઓવરહેડ પાણીની ટાંકીમાં વાલ્વ લીકેજ થતા પાણીની સમસ્યા સર્જાય હતી. સવારે 6:30 વાગ્યે પાણી ન આવતું હોવાની જાણ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કરની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ખાડિયા વિસ્તારના નાગરિકોને આજે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, પાણીની ટાંકીના વાલ્વ લીકેજની ઘટના સામે આવતા તાત્કાલિક અધિકારીઓને જાણ કરી રિપેરિંગ કરવાની સૂચના આપી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ઓવરહેડ હેડ પાણીની ટાંકીઓમાં લીકેજના કારણે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં પાણીના લીકેજની ઘટના બાદ હવે મધ્ય વિસ્તારમાં આવેલા સારંગપુરની મધુબાગ ઓવરહેડ પાણીની ટાંકીમાં વાલ્વ લીકેજ થતા આજે સવારે ખાડિયા વિસ્તારમાં પાણી આવ્યું ન હતું. જેના કારણે સવારના સમયે ખાડિયામાં ગાંધીરોડ, બાલા હનુમાન, મોટા સુથારવાડા સહિત અલગ અલગ પોળ અને વિસ્તારમાં રહીશોને પાણી વગર રહેવું પડ્યું હતું. સવારે 06:15 વાગ્યે પાણી શરૂ થયું, ત્યારે પાંચથી દસ મિનિટ પાણી એકદમ ઓછા પ્રેશરથી આવ્યું હતું અને ત્યારબાદ સદંતર બંધ થઈ ગયું હતું.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરાતા તેઓ તાત્કાલિક સારંગપુર પાણીની ટાંકીએ પહોંચ્યા હતા અને વાલ રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. વાલ્વ લીકેજના કારણે સારંગપુરના ખાડિયા ગાંધીરોડ સહિતના વિસ્તારોમાં સવારથી પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આખા દિવસમાં માત્ર બે કલાક જ પાણી મળતું હોવાથી અને નાગરિકો વહેલી સવારે પાણીના સમય દરમિયાન જ કામગીરી કરતા હોય છે. પરંતુ આજે પાણી ન આવવાથી 1,000થી વધુ પરિવારને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનએ ટેન્કર મોકલી અને પાણીની કરવાની જરૂર હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં મ્યુનિ.ના સત્તાધિશો સામે નારાજગી જોવા મળી હતી.