
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી
ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા તાકીદ કરતાં રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આદિવાસી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી હતી.
મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીના મંજુર થયેલ અને આગામી દિવસોમાં નવા કામો શરુ થવાના છે તેમાં કેટલી પ્રગતિ થઈ તે કામોની બે દિવસ દરમ્યાન સમીક્ષા કરી હતી. જેમાં કેટલાક કામો વિલંબમાં ચાલતા હોઈ આદિવાસી વિસ્તાર હેઠળ આવતા કામો સમયસર પૂણઁ થાય અને નાગરીકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી છે.
બે દિવસની મુલાકાત દરમ્યાન પોશીના તાલુકાના ચંદ્રાણા અને વલસાડી વિસ્તારના ચેકડેમો, ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે પોશીના – ૧ જૂથ યોજના અંતર્ગત બનાવેલ ૩૨ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરણાવ જળાશય યોજના ની સમીક્ષા કરી હતી. સાથે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહ, સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જીનીયર ઉજાસ પટેલ સહીત અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.